Bihar,તા.13
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એક વખત જાહેર મંચ પર PM મોદીના ચરણસ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો છે. નીતિશ કુમાર દરભંગામાં મંચ પર પીએમ મોદીના ચરણસ્પર્શ કરવા માટે ઝૂક્યા તો પીએમ મોદીએ તેમનો હાથ પકડીને તેમને આમ કરતા રોક્યા અને પછી હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું. આ દરમિયાન મંચ પર ભાજપ અને જેડીયુના સીનિયર નેતા હાજર હતા. હવે આ ઘટનાનો વીડિયો સેશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ નીતિશ કુમાર મંચ પર પીએમ મોદીના ચરણસ્પર્શ કરવા માટે ઝૂકી ચૂક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બિહારની મુલાકાતે હતા. આ દરમિયાન તેમનો દરભંગામાં એક સરકારી કાર્યક્રમ હતો, જેમાં તેમણે બિહારના લોકોને 12 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની ભેટ આપી છે. પીએમએ દરભંગા AIIMS સહિત આરોગ્ય, રસ્તા, રેલ અને ઉર્જા ક્ષેત્રની 25 વિકાસ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન, શિલાન્યાસ કર્યોં હતો. આ દરમિયાન મંચ પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, નિત્યાનંદ રાય, બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા સહિત ઘણા નેતાઓ હાજર હતા.
અગાઉ પણ PM મોદીના ચરણસ્પર્શ કરી ચૂક્યા છે નીતિશ કુમાર
આ ત્રીજી વખત છે જ્યારે નીતિશ કુમારે વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કર્યા છે. આ પહેલા જ્યારે દિલ્હીમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી ત્યારે પણ બિહારના સીએમએ પીએમ મોદીના ચરણસ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે મોદીએ તેમને રોકી દીધા હતા. જો કે આને લઈને નીતિશ કુમારને બિહારના વિપક્ષી નેતાઓની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
આ ઉપરાંત લોકસભા 2024ના ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે નીતિશ કુમાર અને પીએમ મોદી એક સાથે મંચ પર બેઠા હતા ત્યારે પીએમ મોદીએ અભિવાદન માટે સીએમ તરફ હાથ લંબાવ્યો તો નતિશ કુમારે પોતાનો હાથ પીએમના પગ સ્પર્શ કરવા માટે લંબાવી દીધો હતો. જેનો વીડિયો શેર કરી આરજેડીએ નીતિશ કુમાર પર પ્રહાર કર્યો હતો.
PMની આંગળી ચેક કરવા લાગ્યા નીતિશ કુમાર
ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ જ્યારે પીએમ મોદી બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા પરિસરનું ઉદ્ધાટન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે સીએમ નીતિશ કુમાર પણ તેમની સાથે હતા. જ્યારે પીએમ મોદી નીતિશ કુમાર પાસે બેઠા હતા ત્યારે અચાનકથી નીતિશે તેમનો હાથ પકડી લીધો અને તેમની આંગળી ચેક કરવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.