America,તા,14
જાન્યુઆરી 2025 થી અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ખુરશી સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની પ્રમુખ તરીકેની બીજી ટર્મ તો હજુ શરૂ થઈ નથી, ત્યાં તો તેમણે ત્રીજી વખત પણ રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા જાહેર કરી દીધી છે. તાજેતરમાં તેમણે આ બાબતે આપેલ નિવેદનથી અમેરિકા સહિત દુનિયાભરમાં ચર્ચા ચાલુ થઈ ગઈ છે કે, શું કોઈ વ્યક્તિ માટે બે થી વધુ વખત અમેરિકાના પ્રમુખ પદે બેસવું શક્ય છે? આ માટે અમેરિકાનું બંધારણ મંજૂરી આપે છે ખરું?
શું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે?
‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ની ચૂંટણીમાં જીત મેળવનાર રિપબ્લિકન પાર્ટીના સાંસદોને ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે મળ્યા હતા. એ સમયે તેમણે રાષ્ટ્રપતિ પદના ત્રીજા કાર્યકાળ માટે સેવા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
તેમણે એવું કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે હું ફરીથી (પ્રમુખ પદની) ચૂંટણી લડીશ, પણ જો તમે લોકો કહેશો કે, હું (પ્રમુખ તરીકે) સારો છું, તો પછી એ દિશામાં શું કરી શકાય એ બાબતે વિચારીને આપણે કોઈ રસ્તો શોધીશું.’
સમર્થન માંગીને દાણો દાબ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે બહુ ચાલાકીથી પોતાની ઈચ્છા મોઘમમાં વ્યક્ત કરી દીધી છે. ‘જો તમે કહેશો તો…’ એવો મમરો મૂકીને તેમણે ફક્ત એમના સાંસદો જ નહીં, અમેરિકાની પ્રજા સામે પણ ખુલ્લો પ્રસ્તાવ મૂકી દીધો હતો કે, તમારું સમર્થન હશે તો હું ત્રીજી વાર પ્રમુખ બનવા માટે બંધારણ પણ બદલી નાંખીશ.
આ કારણસર બંધારણમાં સુધારો કરવો પડ્યો હતો
અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ‘મહત્તમ બે જ ટર્મ’નો નિયમ અગાઉ નહોતો, જેને લીધે ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ ચાર વખત અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે 1933 થી 1945 સુધી આ પદ શોભાવ્યું હતું. ચોથા કાર્યકાળ દરમિયાન 1945 માં તેમનું અવસાન થયું ત્યારે અમેરિકનોએ લાગ્યું કે સત્તામાં હોય ત્યારે પ્રમુખ અવસાન પામે તો ચૂંટણીચક્ર ખોરવાઈ જાય છે, ઉતાવળે નવા પ્રમુખ ચૂંટવા પડે છે, તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે બંધારણમાં સુધારો કરીને રાષ્ટ્રપતિ બનવા માટેની મુદત નિશ્ચિત કરી દેવી જોઈએ.
શું કહે છે બંધારણનો 22મો સુધારો
અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન બે વખત પ્રમુખ રહી ચૂક્યા હતા, તેથી એને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ માટે મહત્તમ બે ટર્મનો નિયમ બનાવાયો. એ માટે બંધારણમાં 22મો સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારો કોઈપણ રાષ્ટ્રપતિને ત્રીજી મુદત માટે પ્રમુખ બનતા રોકતો હોવાથી જો ટ્રમ્પ ત્રીજી વખત પ્રમુખ બનવા માંગતા હોય તો સૌથી પહેલાં તેમણે આ સુધારાને હટાવવો પડશે. પરંતુ શું આમ કરવું શક્ય છે?
શું અમેરિકાના બંધારણમાં બદલાવ શક્ય છે?
અમેરિકાના બંધારણમાં બદલાવ લાવવો સરળ નથી. આ માટે માત્ર કોંગ્રેસ જ નહીં રાજ્યોના સમર્થનની પણ જરૂર પડે છે. ત્રીજી વખત ચૂંટણી લડવા માટે ટ્રમ્પે આ 2 શરતો પાર પાડવી પડશે.
1) બંને ગૃહ— સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ —માં 67 ટકા બહુમતની જરૂર પડશે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 435 સભ્યો છે, જેમાંથી ટ્રમ્પને 290 ના સમર્થનની જરૂર પડશે. એ જ રીતે સેનેટના 100 સભ્યોમાંથી ટ્રમ્પે 67 સભ્યોનું સમર્થન મેળવવું પડશે.
2) ઉપર જણાવ્યા મુજબનું સમર્થન મળી ગયું તો પણ વાત એટલેથી અટકતી નથી. ટ્રમ્પે અમેરિકાના દરેક રાજ્યની એસેમ્બલીમાં ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે આ પ્રસ્તાવ પસાર કરાવવો પડશે, તો જ વાત આગળ વધે. પચાસમાંથી એક રાજ્ય પણ એમના પ્રસ્તાવ વિરુદ્ધ ગયું તો બધી મહેનત પાણીમાં જશે!
વધતી વય પણ છે અવરોધ
એક વાર માટે ધારી લો કે ઉપરની બંને શરતો ટ્રમ્પ પાર પાડી લે છે, તો પણ ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદ મેળવવાની એમની મહેચ્છા એટલી જલ્દી સફળ થાય એમ નથી, કેમ કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ વધારવા માટે બંધારણમાં સુધારાની જે પ્રક્રિયા કરવાની થાય છે એ લગભગ સાત વર્ષ લાંબી છે. ટ્રમ્પ અત્યારે 78 વર્ષના છે, સાત વર્ષ બાદ 85 ના થઈ જશે. એટલી ઉંમરે તેમનું સ્વાસ્થ્ય કેવું હશે, કોણ જાણે. આજે એમને અમેરિકનોનું જે સમર્થન છે એવું સમર્થન સાત વર્ષ પછી પણ હશે ખરું, કોણ જાણે. આ કારણસર પણ ત્રીજી વાર અમેરિકાના પ્રમુખ બનવાની ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થાય એની શક્યતા પાંખી જણાય છે.

