પોરબંદરમાં 1101 ટકા, જુનાગઢમાં 712 ટકા અને જામનગરમાં 517 ટકા વધુ વરસાદ
એક સાથે ત્રણ સિસ્ટમ સક્રીય થવાથી અસામાન્ય પાણી વરસ્યાનો હવામાન વિભાગનો નિર્દેશ
Ahmedabad,તા.26
ગુજરાતના કેટલાંક ભાગોમાં મેઘરાજાએ આફત સર્જી છે. આભ ફાટતા હોય તેનો અનરાધાર વરસાદ વરસાવ્યો છે જેને પગલે સૌરાષ્ટ્રના ત્રણ જીલ્લા રાષ્ટ્રીય નકસા પર આવી ગયા છે. પોરબંદર, દ્વારકા તથા જુનાગઢમાં અઠવાડિક વરસાદની માત્રા નોર્મલ કરતા 700 ટકા વધુ રહી છે અને દેશમાં સૌથી વધુ વરસાદ ધરાવતા જીલ્લા બન્યા છે.
તા.17થી24 જુલાઈ દરમ્યાન દેવભૂમિ દ્વારકામાં નોર્મલ કરતા 1422 ટકા વધુ વરસાદ થયો છે. પોરબંદરમાં 1101 ટકા તથા જુનાગઢમાં 712 ટકા વધુ વરસાદ થયો છે. સમગ્ર દેશના 788 જીલ્લાઓ પૈકી 6માં સાપ્તાહિક વરસાદ નોર્મલ કરતા 500 ટકા કે તેથી વધુ છે તેમાંથી ચાર ગુજરાતના છે અને બાકીના બે આંધ્રપ્રદેશના છે.
ગુજરાત હવામાન વિભાગના વડા અશોકકુમાર દાસે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં અસામાન્ય વરસાદ નોંધાયો છે અને તેમાં પણ દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ વરસાદ પડયો છે. શીયર ઝોન, સાયકલોનિક સરકયુલેશન તથા ઓફશોર ટ્રફ એમ એક સાથે ત્રણ હવામાન સિસ્ટમ સક્રીય થવાને કારણે આ અતિભારે વરસાદની હાલત સર્જાઈ હતી.
ગુજરાતની હવામાન પેટર્ન પર અનેક અભ્યાસ થયા છે તેમાં એવુ સુચવાયુ જ છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસાની પેટર્નમાં બદલાવ આવ્યો છે અને વારંવાર અતિભારે વરસાદના ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે.
ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચોમાસુ જામ્યુ છે અને ભારે વરસાદ ખાબકી જ રહ્યો છે છતાં એક સપ્તાહ દરમ્યાન સૌરાષ્ટ્રના ચાર જીલ્લાઓમાં વરસેલા અસાધારણ વરસાદે રાષ્ટ્રીય સ્તરે હવામાન વિભાગનુ પણ ધ્યાન ખેંચ્યુ છે. મહારાષ્ટ્ર, ઉતરાખંડ, દિલ્હી, હિમાચલપ્રદેશ સહિતના રાજયોમાં મેઘરાજાનો કહેર છે છતાં સૌરાષ્ટ્ર-ગુજરાતના કેટલાક ભાગોમાં સર્જાયેલી ‘મેઘતાંડવ’ જેવી સ્થિતિ નથી.
સપ્તાહમાં 500 ટકાથી વધુ વરસાદ પડયો હોય તેવા ભારતમાં છ જીલ્લા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે તેમાં ચાર સૌરાષ્ટ્રના જ છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જુનાગઢ ટોપ-3માં છે. આ સિવાય આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 684 ટકા તથા અનાકાપલ્લીમાં 570 ટકા વરસાદ નોંધાયો છે. છઠ્ઠા ક્રમે સૌરાષ્ટ્રનુ જામનગર આવે છે જયાં સાપ્તાહિક વરસાદ નોર્મલ કરતા 517 ટકા વધુ રહ્યું છે.
એક સાથે ત્રણ સિસ્ટમ સક્રીય થવાથી વરસેલા અસાધારણ વરસાદમાં મુખ્યત્વે દરિયાપટ્ટી સંલગ્ન આ ચાર જીલ્લા જ નિશાન બન્યા હોવાનું સૂચક છે. ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જેવા અન્ય જીલ્લાઓમાં માત્રા પ્રમાણમાં ઓછી અથવા સંતોષકારક હતી.