Maharashtra,તા.18
મહારાષ્ટ્રની ધારાસભા ચૂંટણીમાં ભાજપે બટેંગે તો કટેંગેનું સ્લોગનને શસ્ત્ર બનાવી હિન્દુ ધ્રુવીકરણ મારફત જે રીતે ચૂંટણી જીતવા માટે દાવ ખેલ્યો છે તેમાં હવે ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડના પ્રવકતા મૌલાના ખલીલ ઉર્રરહેમાન સજજાદ નોતાની એ રાજયમાં ચુંટણી લડી રહેલા 23 મુસ્લીમ ઉમેદવાર ઉપરાંત મહાવિકાસ અઘાડીના 117 મરાઠા- પોલીસી સહિત કુલ 269 ઉમેદવારોને મત આપપવા અપીલ કરી હતી. તેમણે એક ચોંકાવનારા વિધાનમાં જણાવ્યું કે મહારાષ્ટ્રનું પરિણામ મહત્વનું છે. જો આ રાજયમાં ભાજપની મહાયુતી હારશે તો દિલ્હીની સરકાર (મોદી સરકાર)નું પણ પતન થશે. અગાઉ તેઓએ મહાવિકાસ અઘાડીને એક પત્ર લખીને ઓલ ઈન્ડીયા ઉલેમા બોર્ડની 17 માંગો રજુ કરી હતી.
જેમાં કહ્યું હતું કે ચૂંટણીમાં જો મુસલમાનોનો ટેકો જોઈતો હોય તો અમારી આ માંગ સ્વીકારવી પડશે. જેના પર મહાવિકાસ અઘાડીએ આડકતરી રીતે ચુંટણી જીતી ગયા બાદ તેના પર વિચારાશે તેવો જવાબ આપ્યો હોવાનો સંકેત છે. મહારાષ્ટ્રની ચુંટણીમાં મુસ્લીમ ફેકટર ખૂબ જ મહત્વનું બની ગયુ છે. રાજયમાં 11% મુસ્લીમ મતો છે અને 120 બેઠકો પર ઓછો-વધુ પ્રભાવ પાડી શકે છે. 60 બેઠકો એવી છે જયાં 15% મતદારો મુસ્લીમ છે.
38 બેઠકો પર 20%થી વધુ મુસ્લીમ મતદારો છે અને 9 વિધાનસભા બેઠક પર 40%થી વધુ મુસ્લીમ મતદારો છે. ભાજપે નોતાનીનો આ અપીલનો વિરોધ કરી ચુંટણી પંચને ફરિયાદ કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ નોતાની પર હેટસ્પીચનો આરોપ મુક્તા જણાવ્યું હતું કે આ રાહુલ ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરેના ‘વોટ-જેહાદ’ સામે ચૂંટણી પંચે પગલા લેવા જોઈએ. નોમાનીએ ભાજપને મતો આપનાર મુસ્લીમોનો સામાજીક બહિષ્કાર કરવા અપીલ કરી છે તે હેટસ્પીચ હોવાનું તેઓએ જણાવ્યું હતું.