Surat, તા.18
ગુજરાતમાં નક્લી અધિકારીઓ-નકલી કર્મચારીઓના વખતો વખત ભાંડા ફૂટતા રહે જ છે તેવા સમયે સુરતમાં કથિત રીતે બોગસ તબીબોએ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ ખોલી નાખતા સનસનાટી મચી છે. જો કે, તંત્રના ધ્યાન પર ઘટના આવતા ઉદ્ઘાટનના 24 કલાકમાં જ હોસ્પીટલને સીલ કરી દેવામાં આવી છે.
સુરતમાં જ્યાં શ્રમિકોનો મોટો વસવાટ છે તેના બમરોલી વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પે. નામે ગઇકાલે હોસ્પીટલનું ઉદ્ઘાટન કરાયું હતું. નિમંત્રણ કાર્ડમાં પોલીસ કમીશ્નર ગેહલોટ સહિતના અધિકારીઓના નામો બારોબાર લખી દેવાયા હતા.
હોસ્પીટલના તબીબોમાં જેમના નામ હતા તે પૈકી બબલુરામ શુક્લા તથા રાજારામ દુબે ડીગ્રી વગર પ્રેક્ટીસ કરવાનો અગાઉ કેસ થયો હતો તેવી જ રીતે હોસ્પીટલ સંચાલક જી.પી. મિશ્રા સામે દારૂનો કેસ થયેલો છે.
મહત્વની વાત એ છે કે હોસ્પીટલ શરુ કરાયા પૂર્વે તેનું કોઇ રજીસ્ટ્રેશન પણ કરાયું નહતું. સમગ્ર ઘટના તંત્રના ધ્યાને આવતા અટકાયતી પગલા લઇને હોસ્પીટલ બંધ કરાવી દેવામાં આવી હતી. ફાયર એનઓસી પણ ન હોવાથી સીલ મારવામાં આવ્યું હતું. તપાસનો દોર શરૂ કરાયો છે. ચોંકાવનારો ઘટ્ટસ્ફોટ થવાના ભણકારા છે.