America,તા,19
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ગેરકાયદે પ્રવાસીઓ સામે એક મોટો નિર્ણય લેવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, મારૂ પ્રશાસન દેશમાં ગેરકાયદે રૂપે વસતા પ્રવાસીઓ સામે સૈન્ય બળનો પણ ઉપયોગ કરી શકે છે. તેમજ જરૂર પડ્યે દેશમાં રાષ્ટ્રીય કટોકટી પણ લાદવામાં આવી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એક્સ પર ટૉમ ફિટૉન નામના વ્યક્તિની પોસ્ટને રિપોસ્ટ કરતાં આ વાતની પુષ્ટિ કરી છે. ટૉમ ફિટૉને પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, માહિતી મળી રહી છે કે, ટ્રમ્પનું પ્રશાસન અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી લાગુ કરી સેના દ્વારા ઘૂસણખોરોને મોટી સંખ્યામાં કાઢવાની તૈયારી કરી રહ્યું છે.’
ટ્રમ્પે આપ્યો આ પોસ્ટનો જવાબ
ટ્રમ્પે આ પોસ્ટને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિપોસ્ટ કરતાં લખ્યું સાચું… ટ્રમ્પની આ પોસ્ટથી સંકેત મળી રહ્યા છે કે, ઘૂસણખોરોને કાઢવા ટ્રમ્પ ખરેખર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી શકે છે.
સીમા સુરક્ષાના પ્રમુખે શું કહ્યું?
ટ્રમ્પના સીમા સુરક્ષા પ્રમુખ ટૉમ હોમને ચેતાવણી આપતા કહ્યું કે, જે ડેમોક્રેટિક શાસિત રાજ્યોએ આ દેશનિકાલાના અભિયાનનો ઈનકાર કર્યો છે. તેઓએ અમારા રસ્તામાંથી હટી જવું જોઈએ. અમારૂ પ્રશાસન એ 4 લાખ 50 હજાર ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી કાઢીને જ રહેશે. આ એ આંકડા છે જેની સામે ગુનાહિત રેકોર્ડ છે.
સિક્યોરિટી એજન્ટ પર કર્યા સવાલ
પોતાના વ્યક્તિગત સીમા સુરક્ષાના અનુભવને શેર કરતા ટૉમ હોમને કહ્યું, સીમા સુરક્ષા એજન્ટોએ હવે ગેરકાયદે પ્રવાસીઓને રોકવાને બદલે તેઓ બસ ટ્રાવેલ એજન્ટની જેમ કામ કરતાં જોવા મળી રહ્યા છે. આ ગેરકાયદે પ્રવાસીઓ કોઈપણ અડચણ વિના અમેરિકા મોકલવામાં આવે છે, તેમને મફત પ્લેન ટિકિટ, હોટેલ અને સ્વાસ્થ્ય સેવાઓ પણ આપવામાં આવે છે. જોકે, લાખો અમેરિકન નાગરિકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે.
અમેરિકામાં દર ચોથો પ્રવાસી ગેરકાયદે
જણાવી દઈએ કે, ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકામાં એન્ટ્રી કરવાથી રોકવું ટ્રમ્પ પ્રસાશન માટે મોટી ચુનોતી છે. આંકડા અનુસાર, અમેરિકામાં દર ચોથો પ્રવાસી ગેરકાયદે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટીના આંકડાથી જાણ થાય છે કે, 2020 બાદ દેશમાં ગેરકાયદે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.