આરોપીને પોલીસ ઓરિસ્સાના રેડ લાઈટ એરિયામાંથી પકડી લાવી
Surat તા.૧૯
સુરતના ખટોદરા વિસ્તારમાં દેણપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલી હત્યા મામલે ખટોદરા પોલીસે આરોપી મનોજકુમાર શાહુને ઓરિસ્સાના રેડલાઇટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુંકે, ગત ૧૬ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જલારામ નગર પાસે આવેલ દેણપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ત્રીજા માળે આવેલા બોઇલરમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. જેમાં પોલીસે બોડીનો કબજો મેળવી નવી સિવિલ હોસ્પિટલ પોસમોટમ કરાવ્યું હતું. બીજી બાજુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા મૃતકનું નામ ધૂબ ચરણ પ્રધાન સામે આવ્યું હતું.
તે ઉપરાંત પોલીસે સીસીટીવીમાં એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો જેનું વ્યક્તિનું નામ મનોજ શાહુ હતું. જે વ્યક્તિ ત્યાં જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. આરોપી મનોજ કારખાનામાં નહોતો અને રજા પર ઉતરી ગયો તેવી માહિતી પોલીસને મળી હતી. તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. જેથી પોલીસને આરોપી મનોજ ઉપર શંકા ગઈ હતી. આ હત્યા તેણે જ કરી છે તે ફરાર થઇ ગયો છે. જેથી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
આરોપીને પકડવા માટે ખટોદરા પોલીસ બે વખતે ઓરિસ્સા ગઈ હતી. પરંતુ આરોપી ત્યાં નહોતો. જોકે ગત રોજ આરોપીએ પોતાનો ફોન ચાલુ કરતા જ તેનું લોકેશન ટ્રક થયું હતું. લોકેશન ટ્રેક થતાં જ પોલીસે આરોપીને ઓરિસ્સાના રેડ લાઈટ એરિયામાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની સઘન પૂછપરછમાં તેણે જ આ હત્યા કર્યા હોવાનું જણાવ્યું હતું.
મૃતકે આરોપીને રૂપિયા ૨૫૦૦૦ પોતાનું ફ્રિજ વેચ્યું હતું. જે રૂપિયા ૨૫૦૦૦ મૃતકને આપવામાં બાકી હતા. જેની માંગણી મરનાર વ્યક્તિએ મનોજ પાસે કરી હતી. પૈસા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા આરોપીએ મૃતકના માંથે સળીયો મારી દીધો હતો. જેથી મૃતક ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થતાં તેનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું. હાલ સમગ્ર મામલે આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે