New York,તા.૧૯
ન્યૂયોર્ક સિટી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે મેનહટનમાં કથિત રીતે બે લોકોની હત્યા કરી હતી અને ત્રીજાને ગંભીર રીતે ઘાયલ કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી.
ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ અનુસાર, હુમલો સોમવારે સવારે થયો હતો. સવારે ૮.૨૦ કલાકે ૩૬ વર્ષીય વ્યક્તિ પર છરીના ઘા ઝીંકાયા હતા. આ હુમલો એક કન્સ્ટ્રક્શન સાઈટ પર થયો જ્યાં તે વ્યક્તિ ૧૯મી સ્ટ્રીટ પર કામ કરી રહ્યો હતો. પ્રથમ હુમલાના લગભગ બે કલાક પછી, પૂર્વ ૩૦મી સ્ટ્રીટ પર એક ૬૮ વર્ષીય વ્યક્તિનું ઘણી વખત છરા માર્યા બાદ મૃત્યુ થયું હતું. ત્રીજો હુમલો સવારે ૧૧ વાગ્યે થયો હતો. મિડટાઉનની ૪૨મી સ્ટ્રીટ પર એક મહિલા પર છરા મારવામાં આવ્યો હતો. મહિલાની હાલત નાજુક હોવાથી તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે તેઓએ હુમલામાં વપરાયેલ લોહીના ડાઘવાળા રસોડાના છરીઓ મળી આવી છે. ન્યૂયોર્ક પોલીસ ચીફ જોસેફ કેનીએ કહ્યું કે આ હુમલાઓમાં બે નિર્દોષ લોકો માર્યા ગયા છે અને એક મહિલા પોતાના જીવન માટે લડી રહી છે. પોલીસનું માનવું છે કે આ હુમલામાં અન્ય કોઈ હુમલાખોરની સંડોવણી નથી. આરોપી (૫૧ વર્ષ) પૂર્વ ૩૦મી સ્ટ્રીટ પર આશ્રયસ્થાનમાં રહેતો હતો. તે તેમની નજીક ગયો અને અચાનક છરી વડે હુમલો કરવા લાગ્યો. પોલીસે જણાવ્યું કે આરોપી ૪૬મી સ્ટ્રીટ પરથી પકડાયો હતો. હાલ તે પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં છે.
આ અંગે ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અને મેન્ટલ હેલ્થ સિસ્ટમ ન્યૂ યોર્કવાસીઓને કેવી રીતે નિષ્ફળ કરી રહી છે તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે.