Ahmedabad,તા.20
હૉસ્પિટલમાં દર્દીને દર્દી નહીં પણ એક ગ્રાહક તરીકે જ જોવામાં આવે છે તેનો વધુ એક કિસ્સો જોવા મળ્યો છે. અમદાવાદની એક ખાનગી હૉસ્પિટલમાં એમ કહીને મૃતદેહ તેમના સ્વજનોને સોંપવાથી ઇનકાર કર્યો હતો કે,‘વધારાનો ચાર્જ ચૂકવશો તો જ મૃતદેહ લઈ જવા દેશું.’
‘બિલ ચૂકવો અને પછી જ મૃતદેહ લઈ જઈ શકાશે.’
મળતી માહિતી અનુસાર, જજીસ બંગલોમાં રહેતાં વૃદ્ધા પુષ્પાબેન દરજીને હાર્ટ એટેક આવતાં અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. સ્વજનો જ્યારે મૃતદેહને લેવા ગયા તો હૉસ્પિટલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, ‘પહેલા રૂપિયા 1.65 લાખનું બિલ ચૂકવો અને પછી જ મૃતદેહ લઈ જઈ શકાશે.’
સ્વજનો જ્યારે રૂપિયા 1.65 લાખનું બિલ ચૂકવીને ફરીથી મૃતદેહ લેવા માટે ગયા તો હૉસ્પિટલ દ્વારા એવો જવાબ અપાયો કે, ‘દિવસ દરમિયાન તબીબે મુલાકાત લીધી હોવાથી 23 હજારનો બીજો અન્ય ચાર્જ ઉમેરાયો છે. આ ચાર્જ ચૂકવ્યા બાદ જ મૃતદેહ લઈ જઈ શકશો.’
મૃતકના સ્વજનોએ હૉસ્પિટલમાં હોબાળો મચાવ્યો
હૉસ્પિટલ દ્વારા આ રીતે વધારાનો ચાર્જ ઉમેરાતાં મૃતકના સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. મૃતકના સ્વજને કહ્યું કે, ‘સવારે મૃત્યુ થઈ ગયા બાદ અમે તમામ ચાર્જ ચૂકવી દીધો હતો. હવે વધારાનો શેનો ચાર્જ વસૂલવામાં આવે છે અને તેના અંગે પહેલા અમને કોઈ જાણ પણ કરાઈ નહોતી. પરિવારના સદસ્યનું મૃત્યુ થયું હોવા છતાં હૉસ્પિટલ મેનેજમેન્ટે અમારી સાથે ઉદ્ધતાઈપૂર્વક વાત કરી હતી.’

