Ahmedabad,તા.20
અમદાવાદમાં ડ્રગ્સ,ચરસ અને ગાંજા માટે પોલીસની ધોંસ વધતા નશીલા પદાર્થોનો વેપલો કરતા યુવાધાન નશો કરવા માટે કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે બીજીતરફ આ યુવા પેઢીને બરબાદીના માર્ગે ધકેલવા માટે કેટલા તત્વો પણ કફ સિરપ લાવીને આપી રહ્યા છે. ઝોન-૬ સ્ક્વોર્ડ દ્વારા ચોક્કસ બાતમી આધારે વટવામાં દરોડા પાડીને એક મહિલાને કફ સિરપની ૨૦૦ બોટલો સાથે પકડી પાડી હતી. આ બનાવ અંગે વટવા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સદ્ભાવના ચાર માળિયા મકાનમાં પોલીસે દરોડો પાડીને મહિલાના ઘરમાંથી રૃા. ૩૬,૬૩૦ કિંમતની સિરપની બોટલો કબજે કરી
ઝોન-૬ના પી.એસ.આઇ, એમ.આર.બ્રહ્મભટ્ટને મળેલી ચોક્કસ બાતમી આધારે પોલીસ ટીમે વટવા સદ્ભાવના ચાર માળિયામાં એક મકાનમાં દરોડો પાડયો હતો અને મહિલના ઘરમાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાઇ રહેલી કફ સિરપની રૃા. ૩૬,૬૩૦ કિંમતની કુલ ૨૦૦ જેટલી બોટલો મળી આવી હતી.
પોલીસે મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરતાં આ કફ સિરપનો જથ્થો દાણીલીમડામાં અલ્લાહનગર ગેટ પાસે અપનાનગરમાં રહેતા રુબીના નાસીરભાઇ શેખ પાસેથી લાવ્યા હતા. વટવા પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ કેટલા સમયથી આટલી મોટી સંખ્યામાં કફ સિરપનો જથ્થો લાવતા હતા અને કોને કોને આપતા હતા આ તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.