Gandhidham,તા.20
ગાંધીધામ: ગાંધીધામનાં રેલવે સ્ટેશનમાં રેલવે પોલીસનાં મથક સામે જ પાકગમાં કારમાં વિદેશી દારૂ રાખી ખુલ્લેઆમ વેચાણ કરતા ઈસમો પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. જેમાં પોલીસે કારમાં દારૂ વેંચતા બે શખ્સોને ૨૩ હજારની કિંમતનાં દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડયા હતા જ્યારે મુખ્યસૂત્રધાર બે શખ્સો નાસી ગયા હતા.પોલીસે બે શખ્સો પાસે કુલ ૫.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર એસ. એમ. સી ની ટીમને પૂર્વ બાતમી મળી હતી કે, ગાંધીધામનાં રેલવે સ્ટેશન અંદર ટેક્ષી પાકગમાં બે શખ્સો અકબર સુલેમાન સુના (મુસ્લિમ) અને ભીમા જશરામ ભરવાડ (રહે. મૂળ પલાંસવા) ભાગીદારીમાં કારની અંદર વિદેશી શરાબનો જથ્થો રાખી રેલવે પોલીસ સ્ટેશન સામે જ ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે.જે બાતમી આધારે પોલીસે ગત ૧૭ નવેમ્બરનાં સાંજનાં સમયે રેલવે સ્ટેન્ડનાં પાકગ વિસ્તારમાં દરોડો પાડયો હતો. જેમાં પોલીસે કાર નજીક સ્કૂટી પર બેઠેલા બે શખ્સો દારૂ રાખી તેનું વેચાણ કરતા બે શખ્સો શંકાસ્પદ જણાતાં આ વિરમ રવજી મકવાણા (રહે. સુંદરપુરી આહીરવાસ) અને મુસ્તાક ભીખા પીરાની (રહે. સુંદરપુરી ઈમામચોક)ને પોલીસે ઝડપી લીધા હતા.
બાદમાં કાર નં જીજે ૧૨ બીએફ ૮૦૪૪માં ચેક કરતા કારમાંથી દારૂ મળી આવ્યુ હતુ.જેથી કારને સામે જ આવેલા રેલવે પોલીસ મથકે લઈ જઈ કાચ તોડી, દરવાજા ખોલી ડેકી તથા પાછળની સીટમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કુલ ૨૮ બોટલ જેની કિંમત રૂ. ૨૩,૬૦૬ સાથે એક કાર, ત્રણ મોબાઈલ ફોન અને સ્કૂટી સહીત કુલ રૂ. ૫,૭૧,૯૦૬નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા બે શખ્સો મુસ્તાક અને વિરમ આહીર ૩૦૦ રૂપિયાની મજૂરીમાં દારૂની ડિલિવરી કરતા હોવાનું જણાવ્યુ હતુ.જ્યારે દારૂનું વેચાણ કરતા બે મુખ્ય શખ્સો અકબર સુલેમાન સુના તથા ભીમા જશરામ ભરવાડ પોલીસને હાથ આવ્યા ન હતા.પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી બાકી બે આરોપીને ઝડપી પાડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.