Mithapur, તા.૨૨
દેવભૂમી દ્વારકા જીલ્લાના આરંભડા ગામે રહેતા અને સામાજીક કાર્યકર ભાવેશ બગડાએ મહીસાગરના કલેકટર વિરૂઘ્ધ પોલીસમાં લેખિત અરજી કરતા અતિભારે ચકચાર મચી જવા પામી છે. આ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ ભાવેશભાઈ સામાજીક કાર્યકર હોય રજુઆતો કરતા રહેતા હોય છે. થોડા દિવસ પૂર્વે તેઓએ સોશ્યલ મીડીયામાં એક વીડીયો જોયો હતો. જેમાં મહીસાગરના કલેકટર નેહાકુમારી દુબે જાહેર સરકારી સ્વાગત કાર્યક્રમમાં પોતાના હોદાનીરૂએ ઉપસ્થિત હતા ત્યારે ત્યાં રજુઆત માટે વિજયભાઈ પરમાર ગયેલા હતા ત્યારે આ કલેકટરે જાહેરમાં અનુસુચીત જાતીના આ રજુઆત કરનારને હડધૂત કરી અપમાનીત કરેલ હતા અને તેઓએ જાહેરમાં કહ્યું કે આ લોકો એટ્રોસીટી માત્ર બ્લેકમેઈલીંગ કરવા માટે જ કરે છે. આ અંગે ગુનો દાખલ કરવા પોલીસમાં રજુઆત થઈ છે. અરજીમાં જણાવેલ વિગતનુ સતાસત તો તપાસના અંતે જ બહાર આવશે તો પણ આવી રજુઆતથી ભારે દેકારો બોલી જવા પામ્યો છે.