રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે પીએસયુ, ટેકનોલોજી અને રિયાલ્ટી સેક્ટર્સમાં લેવાલીના પગલે ભારતીય શેરબજાર સુધારા તરફી ટ્રેડ જોવાયો હતો. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ ૨૦૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો, બીજી તરફ અદાણી ગ્રુપ પર રૂ.૨૦૦૦ કરોડના કૌભાંડનો આરોપ મૂકાતા શેર્સ બીજા દિવસે પણ તૂટ્યા છે. સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઓવરઓલ માહોલ સુધારા તરફી જોવા મળ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહથી મંદીનો સામનો કરી રહેલા સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં સુધારો જોવા મળ્યો છે.
શેરોમાં છેલ્લા દોઢ મહિનાથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ની એકધારી થઈ રહેલી વેચવાલી અને વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ બદલાયેલા સમીકરણોમાં ચાઈના પર ભીંસ વધવાની અટકળો અને યુક્રેનને રશિયા પર યુદ્વમાં અમેરિકી શસ્ત્રોના ઉપયોગની બાઈડન સરકારે મંજૂરી આપી દેતાં અને ત્યાર બાદ યુક્રેનના અમેરિકી મિસાઈલથી રશિયા પર હુમલા સાથે રશિયન પ્રમુખ પુતિને ન્યુક્લિયર યુદ્વની ચીમકી આપતાં વધેલા ટેન્શને પણ શેરોમાં વેચવાલી વધી હતી. અદાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં કડાકા બોલાયા સાથે ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, બેંકિંગ, ઓઈલ-ગેસ શેરો અને એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી થઈ હતી.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની વેચવાલીના દબાણ ઉપરાંત ભારતીય ઈક્વિટીસમાં દૈનિક ધોરણે શેરોની વધઘટનું ચિત્ર પણ બદલાઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે.ઓગસ્ટમાં એડવાન્સ ડિકલાઈન રેશિઓ (એડીઆર)નું દૈનિક સરેરાશ પ્રમાણ જે ૫૧% હતું તે પછીના બે મહિનામાં તબક્કાવાર ઘટી નવેમ્બરમાં ૩૨% પર આવી ગયું છે.એડવાન્સ ડિકલાઈન રેશિઓ શેરોના વધવા કરતા ઘટવાની માત્રા વધુ હોવાના સંકેત આપે છે. રેશિઓ જેટલો ઓછો તેટલુ રોકાણકારોનું માનસ નબળું પડી રહ્યાનું કહી શકાય છે. એડીઆર જે ઓગસ્ટમાં ૫૧% હતો તે સપ્ટેમ્બરમાં ઘટી ૪૭% પર આવી ગયો હતો અને ઓકટોબરમાં ૩૨% રહ્યો હતો.શેરો વધવા કરતા ઘટવાની માત્રા ઊંચી રહેવાના કિસ્સામાં રોકાણકારોની શેરો ખરીદવાની રુચી ઘટી રહી હોવાનું કહી શકાય છે. સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં ૮૫૦૦૦ની ટોચ દર્શાવ્યા બાદ બેન્ચમાર્ક સેન્સેકસ તથા નિફટી૫૦ ઈન્ડેકસમાં ૧૦% ઘટાડો થયો છે. એટલું જ નહીં મિડકેપ તથા સ્મોલ કેપમાં પણ વ્યાપક ધોવાણ જોવા મળી રહ્યું છે.ઓકટોબરમાં કેશમાં રૂપિયા ૧.૧૪ લાખ કરોડની જંગી વેચવાલી બાદ નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહી છે અને રૂપિયા ૨૫૦૦૦ કરોડની નેટ વેચવાલી આવી છે.ભારતીય શેરબજાર જે છેલ્લા અઢી-ત્રણ વર્ષથી ખરીદદારોની માર્કેટ તરીકે ઓળખાતું હતું તે હાલમાં વેચાણકારોની બજાર બની રહ્યું છે.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં કંપનીઓની નબળી કામગીરી માત્ર ભારત પૂરતી જ મર્યાદિત નહીં રહીને જાપાન સિવાયના એશિયાના મોટાભાગના દેશોમાં જોવા મળી છે. વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં જાપાનને બાદ કરતા એશિયાના મોટાભાગના દેશોની કંપનીઓની આવક વૃદ્ધિ નબળી જોવા મળી છે, એમ નોમુરાના એક રિપોર્ટમાં જણાવાયું છે. કંપનીઓના પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા છે. નોમુરાના કવરેજ હેઠળની ભારતની ૮૭ કંપનીઓમાંથી ૪૮ કંપનીના પરિણામો અંદાજ ચૂકી ગઈ છે અને ૨૯ કંપનીઓએ અંદાજ કરતા સારો દેખાવ કર્યો છે, દસ કંપનીઓના પરિણામ અપેક્ષા મુજબ રહ્યા છે. આ કંપનીઓ એમએસસીઆઈ ઈન્ડાઈસિસમાં સમાવિષ્ટ પણ છે. બીજી બાજુ ચીનમાં સ્ટીમ્યુલ્સ પૂરા પડાયા હોવા છતા, ૮૭માંથી ૪૯ કંપનીના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો અંદાજ કરતા નબળા રહ્યા હોવાનું નોમુરાએ વધુમાં જણાવ્યું હતું. કોરિઆની ૬૩માંથી ૪૨ કંપનીના પરિણામ નબળા રહ્યા છે જ્યારે ૧૮ના અપેક્ષા કરતા સારા રહ્યા છે. સિંગાપુરની પાંચમાંથી બેના પરિણામ નબળા રહ્યા છે જ્યારે એક કંપનીનું સપ્ટેમ્બર ત્રિમાસિકનું પરિણામ અપેક્ષા પ્રમાણે રહ્યું છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૬૭૪૩.૬૩ કરોડની ખરીદી,ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૫૩૭૯.૩૦ કરોડની ખરીદી,માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૬,૩૧૧.૬૦ કરોડની ખરીદી,એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૫૮ કરોડની ખરીદી તેમજ ૨૧ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૮૩૬.૯૩ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૫,૯૭૭.૮૭ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૫૯૬૨.૭૨ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૩૧૪.૪૭ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી,જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી,જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી,સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી,તેમજ ૨૧ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૯૬૬૮.૯૮ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ થઈ રહેલા ડેવલપમેન્ટ અને બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન ઘટવાની અપેક્ષા સામે ચાઈના સાથે અમેરિકાનું ટેરિફ યુદ્વ શરૂ થવાની ગણાઈ રહેલી ઘડીએ વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ મચતી જોવાઈ છે.અગાઉ ચાઈનાના સ્ટીમ્યુલસ મેગા પેકેજના પરિણામે વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાંથી ઉચાળા ભરીને ચાઈના તરફ વળી રહ્યાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટીમાં મોટા કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પડેલા મોટા ગાબડાંએ સંકટના એંધાણ આપી દીધા હતા.
ભારતીય શેરમાર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાથી વિદેશી રોકાણકારો દ્વારા સતત ભારે વેચવાલી જોવા મળી રહી છે. બજારમાં ચોતરફી વેચવાલીમાં જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરોમાં પણ ભારે ભૂકંપ આવ્યો છે. હવે એફપીઆઈઝની એક્ઝિટ ઈન્ડિયા અટકવાની અને ફરી ભારતીય બજારોમાં વેલ્યુબાઈંગ શરૂ થવાની શકયતા ચર્ચાવા લાગી છે.અલબત પોઝિટીવ ડેવલપમેન્ટ છતાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી-પરિણામો નબળા હોવાથી અને આ પરિણામોની સ્થિતિ સુધરતાં ૬ થી ૯ મહિના લાગી જવાની શકયતા બતાવી રહ્યા હોઈ શેરોમાં આગામી સપ્તાહમાં તેજીના સંભવિત મોટા ફૂંફાળામાં લલચાઈ ન જવાય એની પણ સાવચેતી રાખવી જરૂરી છે. શેરોમાં મોટી ખરીદીને બદલે આકર્ષક વેલ્યુએશને મળતાં શેરોમાં ટૂકડે-ટૂકડે રોકાણની પસંદગી કરવી. હજુ ઓવર વેલ્યુએશન ધરાવતા શેરોમાં ઉછાળે શેરો ઓફલોડ થવાની પૂરી શકયતા છે.
ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ઘટી ૬.૫% રહેવાની શક્યતા છે.સ્થાનિક રેટિંગ એજન્સી ઈકરાએ નાણાકીય વર્ષ ૨૦૨૪ -૨૫ ના બીજા છ માસમાં આર્થિક ગતિવિધિઓ વેગવાન બનવાના આશાવાદ વચ્ચે નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ ૭%રહેવાનો અંદાજ જાળવી રાખ્યો છે.આરબીઆઈ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪ -૨૫ માટે જીડીપી ગ્રોથ ૭.૨% રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જે ૨૦૨૩-૨૪ ના ૮.૨% ના અંદાજ સામે ઓછો છે. જેની પાછળનું કારણ શહેરી માગમાં ઘટાડો અને વધુ પડતો વરસાદ છે.બીજા ત્રિમાસિકના જીડીપી આંકડા ૩૦ નવેમ્બરે જાહેર થશે. પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ૬.૭% નોંધાયો હતો. જો કે,અતિ ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટ્યો છે. વૈશ્વિક પ્રવાહો અને જીઓ પોલિટીકલ ટેન્શન પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.
બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૨૬૫) : ટેકનિકલ ચાર્ટ મુજબ આ ફયુચર સ્ટોક રૂા.૧૨૦૮ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! રિફાઇનરી । માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક રૂા.૧૨૮૮ થી રૂા.૧૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(ર) HDFC બેન્ક (૧૭૪૦) : આ સ્ટોક રૂા.૧૭૦૭ નો પ્રથમ અને રૂા.૧૬૮૬ નો બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૭૭૪ થી રૂા.૧૭૯૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!
(૩)સ્ટેટ બેન્ક (૮૧૫) : ૭૫૦ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૭૮૭ નો પ્રથમ તેમજ રૂા.૭૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પબ્લીક બેન્ક સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૮૩૩ થી રૂા.૮૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)ઇન્ટરગ્લોબ એવિએશન (૪૧૩૫) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૪૨૦૨ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૪૨૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૪૦૮૮ થી રૂા.૩૮૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૩૦૩ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
(પ)અદાણી પોર્ટસ (૧૧૩૮) : રૂા.૧૧૬૪ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૧૧૭૩ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૧૦૮ થી રૂા.૧૦૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૧૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૬)ઓબેરોય રિયલ્ટી (૧૯૩૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૯૭૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૯૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૯૦૯ થી રૂા.૧૮૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૦૦૨ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)મહિન્દ્રા લોજિસ્ટિકસ (૩૭૭) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૪૪ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૯૩ થી રૂા.૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨)કોમ્પટન ગીવ્ઝ કન્ઝયુમર (૩૭૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૬૦ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૯૪ થી રૂા.૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)જિંદાલ વર્લ્ડવાઇડ (૩૧૪) : રૂા.૩૦૩ નો પ્રથમ તેમજ રૂા.૨૯૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૩૪ થી રૂા.૩૪૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!
(૪)જય કોર્પ (૨૮૪) : પ્લાસ્ટિક પ્રોડકટસ ઇન્ડસ્ટ્રીયલ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૩૦૩ થી રૂા.૩૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૫)આદિત્ય બિરલા ફેશન (૨૮૦) : રૂા.૨૬૭ નો પ્રથમ તેમજ રૂા.૨૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી સ્પેશ્યાલિટી રિટેલ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૩૦૩ થી રૂા.૩૧૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૬)શિપિંગ કોર્પોરેશન (૧૯૬) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૧૪ થી રૂા.૨૨૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)ફેડરલ બેન્ક (૨૦૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૮૮ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૨૧૮ થી રૂા.૨૨૩ ના સંભવિત ભાવની શકયતા છે…!!
(૮)ઇરકોન ઇન્ટરનેશનલ (૧૭૮) : ટેકનિકલ ચાર્ટ મુજબ સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક રૂા.૧૬૭ આસપાસ રોકાણકારે રૂા.૧૯૪ થી રૂા.૨૦૨ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૬૦ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)પંજાબ નેશનલ બેન્ક (૯૫) : પબ્લીક બેન્ક સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૧૦૮ થી રૂા.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૮ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!
(૨)ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૭૮) : ડિલેવરીબેઇઝ રોકાણકારે લોજિસ્ટિકસ સોલ્યુસન પ્રોવાઇડર સેકટરના આ સ્ટોકને રૂા.૭૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૮૯ થી રૂા.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!
(૩)જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રકચર (૭૦) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૬૩ નો પ્રથમ તેમજ રૂા.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવા લાયક…!! એરપોર્ટ એન્ડ એરપોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૭૮ થી રૂા.૮૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)મોરપેન લેબોરેટરીઝ (૭૦) : રૂા.૬૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૂા.૮૪ થી રૂા.૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
ભારતીય શેરબજાર વધારે આકર્ષક, FPI પ્રવાહમાં વધારો થવાની શક્યતા…!!
ઉલ્લેખનિય છે કે વૈશ્વિક બ્રોકિંગ જાયન્ટ સીએલએસએ તેના ગ્લોબલ ઈક્વિટી રિપોર્ટમાં ભારતીય ઈક્વિટીઝથી ચાઈનીઝ શેરોમાં તેના પ્રારંભિક વ્યુહાત્મક બદલાવનેપાછો ખેંચી લીધો છે અને ચીનના એક્સપોઝરમાં ઘટાડો કરતી વખતે ભારતની ફાળવણીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સીએલએસએ પોઉન્સિંગ ટાઈગર, પ્રિવેરિકેટિંગ ડ્રેગન શીર્ષક હેઠળના તેના રિપોર્ટમાં યુ.એસ.ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ચીનના બજારો સામેના પડકારોને આ પગલાનું કારણ ગણાવ્યું છે.
ચાઈનાની આર્થિક મંદ વૃદ્વિના પરિણામે સ્ટીમ્યુલસ-રાહતના મસમોટા પેકેજ આપવાની ફરજ પડી રહી હોઈ અને બીજી તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયના પરિણામે ચાઈના વિરુધ્ધ આકરાં ટેરિફ સહિતના સંભવિત પગલાં અને નીતિઓને લઈ ચાઈના સહિતના બજારોમાં કડાકો બોલાઈ ગયા બાદ હવે હોંગકોંગના નેગેટીવ સમાચાર સાથે વૈશ્વિક જાયન્ટ ફંડો અવોઈડ ચાઈના સાથે બેક ટુ ઈન્ડિયાના અહેવાલોએ ચાઈનાના શાંઘાઈ શેરબજારમાં ફરી કકાડો બોલાઈ ગયો છે. બ્રોકિંગ હાઉસે જણાવ્યું છે કે, ટ્રમ્પ ૨.૦ એ વેપાર યુદ્વમાં વધારો થવાની જાહેરાત કરી છે,જેમ કે નિકાસ ચીનના વિકાસમાં સૌથી મોટો ફાળો આપનાર બની જાય છે. શરૂઆતથી જ ચીનની ઈક્વિટી-શેરબજારમાં ઘટાડાની સંભવિતતા અંગે તેમને શંકા હોવાનું જણાવતા સીએલએસએ જણાવ્યું હતું કે, તેમ છતાં તેણે ઓકટોબરની શરૂઆતમાં ભારત સાથેના તેના કેટલાક ઓવર એક્સપોઝરને વ્યુહાત્મક રીતે ચીન તરફ વાળવા વચનબદ્વતા દર્શાવી હતી. સીએલએસએ જણાવ્યું હતું કે,ઘણા વૈશ્વિક રોકાણકારો ભારતીય શેરોમાં તેમના અન્ડરએક્સપોઝરને પહોંચી વળવા માટે આવા કરેકશનની રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ ચીનના આર્થિક સંઘર્ષમાં ડિફલેશનરી દબાણ,સુસ્ત રિયલ એસ્ટેટ રોકાણ અને યુવાનોની મોટાપાયે બેરોજગારીનો સમાવેશ થાય છે. અનિશ્ચિત સ્થાનિક પરિસ્થિતિ વચ્ચે ચીનને ટ્રમ્પ વહીવટીતત્ર હેઠળ ઊંચા ટેરિફની સંભાવનાઓનો સામનો કરવો પડી શકે છે. જે ડિફલેશન,સંપતિના ઘટતા ભાવો, યુવાનોની વધતીબેરોજગારી,ઘટતો જતો વિશ્વાસ,વાસ્તવિક રિટેલ વેચાણમાં વૃદ્વિ સહિતના નેગેટીવ પરિબળો છે.
બ્રોકિંગ હાઉસે ભારત માટેનું વેઈટેજ ૨૦% થી ઘટાડીને ૧૦% કરી દીધું હતું અને ચીન માટેની ફાળવણીને બેન્ચ માર્કથી વધારીને ૫% કરી દીધી હતી. હવે બ્રોકિંગ હાઉસે તે વેપારને ઉલટાવવાનું નક્કી કર્યું હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ભારત સતત વિદેશી રોકાણકારોના પ્રવાહમાં ઓટનો સામનો કરી રહ્યું છે,ત્યારે આ ઉલટફેર આવી રહી છે. બીજા ત્રિમાસિકમાં નબળી આવક અને વધતી જતી ફુગાવાની સ્થિતિને લઈ વિદેશી સંસ્થાઓએ ઓકટોબરથી અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાંથી રૂ.૧.૧૪ લાખ કરોડનું વેચાણ કર્યું છે. સીએલએસએના આ રિપોર્ટ અને હોંગકોંગના બજારોમાં ઘટાડા સાથે શાંઘાઈ શેર બજારમાં મોટું ધોવાણ થયું છે.
જુલાઈ માસના રેકોર્ડ લેવલેથી PSU કંપનીઓના માર્કેટકેપમાં અંદાજીત રૂ.૧૫.૪ લાખ કરોડનું ધોવાણ…!!
રિપોર્ટ અનુસાર હાલમાં કુલ માર્કેટ કેપમાં પીએસયુ કંપનીઓનો હિસ્સો ઘટીને ૧૫.૩૪% પર આવી ગયો છે, જે ડિસેમ્બર ૨૦૨૩ પછીનું તળિયું છે. ભારતીય શેર માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાથી વિદેશી રોકાણકારો દ્વારા સતત ભારે વેચવાલી જોવા મળી રહી છે. બજારમાં ચોતરફી વેચવાલીમાં જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરોમાં પણ ભારે ભૂકંપ આવ્યો છે. સરકારી કંપનીઓના શેરમાં ભારે વેચવાલીને કારણે દેશની લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં સરકારી સાહસોનો હિસ્સો ૧૧ મહિનાના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે.મે મહિનામાં સરકારી સાહસોનો કુલ માર્કેટ કેપિટલમાં હિસ્સો ૭ વર્ષની ટોચે ૧૭.૭૭% પર પહોંચ્યો હતો. હાલમાં ૧૦૩ પીએસયુ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.૬૬.૦૬ લાખ કરોડ છે. જુલાઈ મહિનામાં આ કંપનીઓનું બજાર મૂલ્ય રૂ.૮૧.૩૮ લાખ કરોડના રેકોર્ડ હાઈ પર હતુ એટલે કે બજાર મૂડીમાં રૂ.૧૫.૪ લાખ કરોડનો ઘટાડો થયો છે.
વેચવાલીના આ માહોલમાં, લિસ્ટેડ ૧૦૩ પીએસયુ કંપનીઓમાંથી પાંચ શેર એક વર્ષની ઊંચી સપાટીથી ૫૦ ટકાથી પણ વધુ ઘટી ગયા છે, જ્યારે ૨૧ સરકારી સાહસોના શેરમાં ૪૦-૪૯ ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય ૪૦ કંપનીઓના શેર ૩૦-૪૦ ટકા અને ૨૪ કંપનીઓના શેર ૨૦-૩૦ ટકા તૂટયા છે. માત્ર ૧૩ કંપનીઓના શેરમાં ૫-૨૦ ટકાનો ઘટાડો છે. બેંચમાર્ક ઈન્ડેકસના ૧૦ ટકાના ઘટાડાની સામે બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ વિશે વાત કરીએ તો રેકોર્ડ હાઈથી ૧૭.૫ ટકાનો મસમોટો કડાકો નોંધાયો છે. મહાનગર ટેલિફોન નિગમના શેર ૫૨ સપ્તાહની ટોચેથી ૫૭ ટકા, કોચીન શિપયાર્ડ ૫૬ ટકા અને ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન ૫૫ ટકાથી વધુ તૂટયા છે.
પીએસયુ કંપનીની નફાકારકતા ઘટતા અને આગામી સમયના માર્જિન પ્રેશર તથા વિસ્તારમાં ઓછા અવકાશના કારણે આ શેરનું વેલ્યુએશન ઘટી રહ્યું છે. આ સિવાય અર્થવ્યવસ્થાની મંદી પણ વધારે દબાણ સર્જી રહી છે, જે જીએસટી કલેક્શન અને સરકારી ખર્ચમાં મંદીમાં પ્રતિત થાય છે. સપ્ટેમ્બર કવાર્ટરના પરિણામોમાં લગભગ ૫૦ સરકારી કંપનીઓએ નબળો દેખાવ કર્યો હતો જ્યારે ૧૪ને નુકસાન થયું હતું અને ૨૯ કંપનીઓએ વાષક ધોરણે નફામાં ઘટાડો નોંધાવ્યો હતો. લગભગ ૨૦ કંપનીઓના નફામાં નજીવો અથવા ૧૦ ટકાથી ઓછો વધારો જોવા મળ્યો છે.
ચાલુ નાણાંકીય વર્ષના સાત મહિનામાં અંદાજીત ૧૯.૧ બિલિયન ડોલરની નિકાસ…!!
આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં દેશની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ નવી ટોચે પહોંચી છે. ચાલુ નાણાકીય વર્ષના સાત મહિનામાં ૧૯.૧ બિલિયન ડોલરની નિકાસ નોંધાઈ છે. સરકારી ડેટા અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં આ ૨૪ ટકા વધુ છે, ગયા નાણાકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં દેશની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ૧૫.૪ બિલિયન ડોલર હતી. આ વર્ષે ઓક્ટોબર સુધી, લગભગ ૫૫ ટકા ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ફક્ત સ્માર્ટ ફોનની નિકાસમાંથી જ આવી હતી. આમાં આઇફોન બનાવતી કંપની એપલનો મોટો ફાળો હતો. ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં,સ્માર્ટફોનની કુલ નિકાસમાં ભારતમાંથી આઈફોનનો નિકાસનો હિસ્સો ૬૬ ટકા હતો અને બાકીનો હિસ્સો અન્ય પ્રોડક્ટસનો હતો. સ્માર્ટફોન પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ દ્વારા નિકાસમાં વધારાને કારણે ઇલેક્ટ્રોનિક્સની નિકાસમાં તેજી આવી છે. ઓક્ટોબરમાં ઈલેક્ટ્રોનિક્સની નિકાસ ૩.૪ બિલિયન ડોલર થઈ હતી,જે ગયા વર્ષના આક્ટોબરની સરખામણીમાં ૪૫ ટકાનો વધારો છે, જ્યારે સેક્ટરે ૨.૪ બિલિયન ડોલરની નિકાસ કરી હતી.
ભારતની સાથે એશિયાની કંપનીઓ માટે સપ્ટેમ્બર ત્રિમાસિક નબળો…!!
વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં જાપાનને બાદ કરતા એશિયાના મોટાભાગના દેશોની કંપનીઓની આવક વૃદ્ધિ નબળી જોવા મળી છે, એમ નોમુરાના એક રિપોર્ટમાં જણાવાયું છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં કંપનીઓની નબળી કામગીરી માત્ર ભારત પૂરતી જ મર્યાદિત નહીં રહીને જાપાન સિવાયના એશિયાના મોટાભાગના દેશોમાં જોવા મળી છે. કંપનીઓના પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા છે. નોમુરાના કવરેજ હેઠળની ભારતની ૮૭ કંપનીઓમાંથી ૪૮ કંપનીના પરિણામો અંદાજ ચૂકી ગઈ છે અને ૨૯ કંપનીઓએ અંદાજ કરતા સારો દેખાવ કર્યો છે,૧૦ કંપનીઓના પરિણામ અપેક્ષા મુજબ રહ્યા છે.
આ કંપનીઓ એમએસસી આઈ ઈન્ડાઈ સિસમાં સમાવિષ્ટ પણ છે. બીજી બાજુ ચીનમાં સ્ટીમ્યુલ્સ પૂરા પડાયા હોવા છતા, ૮૭માંથી ૪૯ કંપનીના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો અંદાજ કરતા નબળા રહ્યાહોવાનું નોમુરાએ વધુમાં જણાવ્યું હતું. સિંગાપુરની પાંચમાંથી બેના પરિણામ નબળા રહ્યા છે જ્યારે એક કંપનીનું સપ્ટેમ્બર ત્રિમાસિકનું પરિણામ અપેક્ષા પ્રમાણે રહ્યું છે. કોરિઆની ૬૩માંથી ૪૨ કંપનીના પરિણામ નબળા રહ્યા છે. જ્યારે ૧૮ના અપેક્ષા કરતા સારા રહ્યા છે.