કોર્ટમિત્રે કહ્યું હતું કે હોસ્પિટલો દ્વારા યોજાતા મેડિકલ કેમ્પને પણ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આવરી લેવા જોઇએ
Ahmedabad તા.૨૩
માંડલની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ જેટલા દર્દીએ આંશિક અને સંપૂર્ણ રીતે આંખોની દૃષ્ટિ ગુમાવતાં સર્જાયેલા અંધાપા કાંડ મુદ્દે સુઓમોટો રિટમાં શુક્રવારે સુનાવણી થઇ હતી. ત્યારે કોર્ટ મિત્ર દ્વારા તાજેતરના વિવાદીત ખ્યાતિ હોસ્પિટલની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એના જવાબમાં ટકોર કરી હતી કે,‘રાજ્ય સરકાર આ મામલે યોગ્ય તપાસ કરી જ રહી છે.’ કોર્ટમિત્રે કહ્યું હતું કે હોસ્પિટલો દ્વારા યોજાતા મેડિકલ કેમ્પને પણ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આવરી લેવા જોઇએ. જેથી કરીને તેમની જવાબદારી નક્કી કરી શકાય. બીજી તરફ રાજ્ય સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન માટે છ હજાર સંસ્થાઓએ અરજી કરી હોવાનું જણાવ્યું હતું. શુક્રવારે કેસની સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યમાંથી છ હજાર સંસ્થાઓએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા અરજી કરી છે. ડિસ્ટ્રિક્ટ રેગ્યુલેટરી ઓથોરિટીના ગઠનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ઓનલાઈન પોર્ટલ ઉપર પણ રજીસ્ટ્રેશન કરવા માટેની સુવિધા અપાઇ છે. છ હજાર અરજીઓ પૈકી ૨,૯૨૭ સંસ્થાઓને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે. જ્યારે બીજી અરજીઓ પ્રક્રિયા હેઠળ છે. ૧૦૫૦ અરજીઓ ઓફલાઈન મળી છે તેને પણ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અપાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,‘જે મેડિકલ સંસ્થાઓ ક્લિનિકલ એસ્ટાબ્લિમેન્ટ એક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન નથી કરાવતી તેમને નોટિસ આપવામાં આવશે. અત્યાર સુધીમાં ૫૧૨ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે. આ હોસ્પિટલોની સ્થળ તપાસ માટે ટીમ પણ બનાવવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર મુખ્ય વડા હોય છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ રેગ્યુલેટરી ઓથોરિટીની રચના કરવામાં આવી છે. જો કે ક્લિનિકલ એસ્ટાબ્લિમેન્ટ એક્ટ ઉપર હજુ રૂલ્સ બનાવવાના બાકી છે. તેથી હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી હવે જાન્યુઆરીમાં રાખી છે. આ મામલે હાઇકોર્ટે અખબારી અહેવાલના આધારે ૧૭મી જાન્યુઆરીએ સુઓમોટો રિટ લીધી હતી. જેમાં વૃદ્ધ દર્દીઓએ મોતિયાના ઓપરેશન બાદ આંશિક અથવા સંપૂર્ણ રીતે તેમની આંખોની દ્રષ્ટિ ગુમાવ્યાનો ચોંકાવનારા સમાચારો પ્રકાશિત થયા છે. એ વખતે ખંડપીઠે આદેશમાં નોંધ્યું હતું કે,‘મોતિયાના ઓપરેશન દરમિયાન શું આ દર્દીઓને હલકી ગુણવત્તા વાળી દવાઓ આપવામાં આવી હતી કે કેમ એ તપાસનો વિષય છે. શું હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો? કે પછી આંખની સર્જરી પહેલા જે પ્રકારના મેડિકલ પ્રોટોકોલનો અમલ કરવો જોઇએ એનો અમલ થયો હતો કે કેમ એ પણ એક મોટો સવાલ છે. આટલી મોટી દુર્ઘટના બની હોવા છતાંય રાજ્ય સરકાર તરફથી ગંભીર બેદરકારી દાખવનારા મેડિકલ પર્સનલ અથવા તો હોસ્પિટલના જવાબદાર સ્ટાફ વિરૂદ્ધ કોઇ ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી હોય એવું ક્યાંય અહેવાલમાં સામે આવ્યું નથી.’