શર્વરી વાઘ એક એવી એક્ટ્રેસ છે, જેણે જૂજ ફિલ્મોથી જ બોલિવૂડમાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી લીધું છે
Mumbai તા.૨૩
શર્વરી વાઘ એક એવી એક્ટ્રેસ છે, જેણે જૂજ ફિલ્મોથી જ બોલિવૂડમાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી લીધું છે. ઊભરતા સિતારાઓમાંથી એક જાણીતી સ્ટાર બની ચૂકેલી શર્વરીની ૧૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મ ‘મૂંજ્યા’ હોય કે પછી વિશ્વ કક્ષાએ ઓટીટી સ્ટ્રીમિંગમાં ટોચ પર પહોંચી ગયેલી ફિલ્મ ‘મહારાજ’ સાથે તેણે ત્રણ સુપરહિટ ગીતો આપ્યા છે. જેમાં તેની ‘મૂંજ્યા’ના ગીત ‘તરસ’, ‘મહારાજ’નું ‘હાં કે ના’ અને ‘મૂંજ્યા’ના ‘તૈનું ખબર નહીં’ને યૂટ્યુબ પર ૪૦૦ મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ અંગે શર્વરીએ કહ્યું, “એક કલાકાર માટે ગીતો બહુ જરૂરી છે કારણ કે તેનાથી જ તેઓ દર્શકોના દિલ સુધી પહોંચી શકે છે.”શર્વરી માને છે કે, “હું મારી જાતને નસીબદાર માનું છું કે મને ૨૦૨૪માં ત્રણ બહુ હિટ ગીતો મળ્યા છે પરંતુ તેમાં સૌથી ખાસ વાત એ છે કે એ બધાં જ ગીતો અલગ છે. તરસ એક બિલકુલ ડાન્સની મજા આવે એવું ગીત છે. જયારે હાં કે ના માં એક જૂના જમાનાની રોમેન્ટિક ગીતો જેવી મજા છે. જ્યારે તૈનું ખબર નહીં આજના જમાનાનું રોમેન્ટિક ગીત છે.” શર્વરીએ આગળ કહ્યું, “૨૦૨૪ મારા માટે એક યાદગાર વર્ષ રહ્યું છે. ફિલ્મો તો સફળ રહી જ છે મહારાજ અને મૂંજ્યાના ગીતો પણ ખુબ સફળ રહ્યા છે. મને જે અનુભવાઇ રહ્યું છે તે અનમોલ છે અને મને આશા છે કે ભવિષ્યમાં પણ આ જ પ્રકારની સફળતા જળવાઈ રહે.”શર્વરીએ આગળ જણાવ્યું, “લોકોએ મારા પર અને મારા ગીતો પર જે પ્રેમ વરસાવ્યો છે તેનાથી હું સહુની બહુ જ આભારી છું. હું તેમને મારા પર વધુ ગૌરવ થાય તેના માટે હજુ વધારે મહેનત કરું છું. કારણ કે એક કલાકારને આટલો પ્રેમ મળે તે એક વિલક્ષણ બાબત છે.” હવે શર્વરી યશરાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની ફિલ્મ આલ્ફામાં આલિયા ભટ્ટ સાથે કામ કરતી જોવા મળશે.