Ahmedabadતા.૨૩
ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે દાણીલીમડામાંથી બે શક્સોની ધરપકડ કરીને તેમની પાસેથી રૂ.૧,૮૧,૩૯૦ ની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે સમીર એમ.ઘાંચી નામનો શખ્સ તેના મિત્ર ફરદીન પઠાણ સાથે સુરતથી ગેરકાયદે ગાંજાનો જથ્થો પલ્સર બાઈક પર લઈને ચંડોળા તળાવ સામે બેરલ માર્કેટ રોડ તરફ જવાના છે. જેને આધારે પોલીસે જાળ બિછાવીને બેરલ માર્કેટ રોડ પરતી બન્ને શખ્સોને ઝડપી લઈને તેમની પાસેથી રૂ. ૧,૮૧,૩૯૦ ની કિંમતનો ૧૮.૧૩૯ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો.
તપાસમાં સમીર ઘાંચી દાણીલીમડામાં અને ફરદીન ગુલામરસુલ પઠાણ બેરલ માર્કેટ ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું છે. તેમની પાસેથી પોલીસે ગાંજાનો જથ્થો, પલ્સર બાઈક, બે મોબાઈલ, રૂ.૫,૩૨૦ રોકડા તથા એરટેલ કંપનીનું ડોંગલ કબજે કર્યા હતા. પુછપરછમાં આરોપીઓએ ગાંજાનો આ જથ્થો તેઓ સુરતના કીમ ચોકડી નજીકથી સચીન ઉર્ફે રાજુ તથા મુકુમ નામના શખ્સો પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.