૧૪ કિલો ઘઉં અને ૨૧ કિલો ચોખા મળે છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, અંત્યોદય કાર્ડમાં હવે ૧૮ કિલો ચોખા ૧૭ કિલો ઘઉં આપવામાં આવશે
Ahmedabad તા.૨૩
ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ દેશના અલગ અલગ લોકોને મળે છે. સરકાર પોતાની મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે લાવે છે. ભારતમાં આજે પણ ઘણા લોકો એવા છે જે બે ટંકનું ભોજન પણ નથી કરી શકતા.
આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ખૂબ ઓછા દરે રેશન પૂરું પાડે છે. સરકાર આ માટે લોકોને રેશન કાર્ડ જારી કરે છે. જેની મદદથી લોકો ઓછી કિંમતે રેશનની સુવિધાનો લાભ લઈ શકે છે. ખાદ્ય વિભાગે રેશન કાર્ડ પર મળતી વસ્તુઓમાં ફેરફાર કર્યો છે. તો ૧ જાન્યુઆરી ૨૦૨૫થી આ મોટો ફેરફાર થશે.
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછી કિંમતે મળતા રેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા જે માત્રામાં રેશન મળતું હતું તે હવે બદલી દેવામાં આવ્યું છે. વાત કરીએ તો પહેલા જ્યાં એક યુનિટમાં ૩ કિલો ચોખા અને ૨ કિલો ઘઉં મળતા હતા. હવે તેમાં ૨ કિલો ઘઉં અને અઢી કિલો ચોખા કરવામાં આવ્યા છે એટલે કે તેમાં અડધો કિલો ચોખા ઘટાડવામાં આવ્યા છે.તો વળી અડધો કિલો ઘઉં વધારવામાં આવ્યા છે. જોકે જે યુનિટમાં પહેલા ૫ કિલો રેશન મળતું હતું તે ૫ કિલો જ છે. અંત્યોદય રેશન કાર્ડ ધારકોને ૩૫ કિલો રેશન મળે છે જેમાં ૧૪ કિલો ઘઉં અને ૨૧ કિલો ચોખા મળે છે. તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, અંત્યોદય કાર્ડમાં હવે ૧૮ કિલો ચોખા ૧૭ કિલો ઘઉં આપવામાં આવશે. જોકે રેશનની માત્રા એ જ છે. પરંતુ ચોખા ઘટાડીને ઘઉં વધારવામાં આવ્યા છે. ૧ નવેમ્બરથી આ નિયમ લાગુ થઈ ગયા છે.
ખાદ્ય વિભાગે બધા રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરાવવા માટે સૂચના જારી કરી દીધી છે. બધા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી ફરજિયાત કરાવવું જરૂરી છે. જે રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી નહીં કરાવે તેમના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે સરકારે આ માટે પહેલા ૧ ઓક્ટોબર સુધીની ડેડલાઈન આપી હતી, જેને પછીથી ૧ નવેમ્બર સુધી વધારવામાં આવી હતી. તો હવે આ ડેડલાઈન ૧ ડિસેમ્બર સુધીની છે એટલે કે બધા રેશન કાર્ડ ધારકોએ ૧ જાન્યુઆરી ૨૦૨૫ પહેલા રેશન કાર્ડની કેવાયસી કરાવી લેવી પડશે. નહીંતર તેમને મફત રેશન અને ઓછી કિંમતે રેશનની સુવિધા મળવાનું બંધ થઈ જશે.

