New Delhi,તા.25
દેશમાં વિવિધ બેંકોમાં રાખવામાં આવતી બાંધી મુદતની થાપણોમાં હવે આગામી દિવસોમાં એકથી વધુ નોમીની – વારસદાર રાખવાની છુટ આપવા સરકાર કાનૂન સુધારશે.
આજથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્ર બેંક નોમીનેશન કાનૂનમાં ફેરફાર કરવા માટેનો ખાસ સુધારા ખરડો રજૂ થશે. બાંધી મુદતની થાપણોમાં એક નોમીનેશનથી એફડી ધારકના મૃત્યુ બાદ તેના વારસદારો વચ્ચે આ નાણાનો વિવાદ સર્જાય છે.
આ કાનૂની પ્રક્રિયા લાંબી ચાલે છે અને બેેકને પણ બિનજરૂરી રીતે તેમાં ઘસડાવું પડે છે પણ નવા ખરડામાં એકથી વધુ નોમીની અને તેમનો કેટલો હિસ્સો મળે તે પણ જે તે થાપણ મુકતા સમયે થાપણદાર ખાસ જણાવી શકશે. એટલુ જ નહી જે તે નોમીનીના નોમીની અંગે પણ માહિતી આપી શકશે.
એક નોમીનીનું મૃત્યુ થાય તો તેના નોમીની કોણ તે પણ નિશ્ચિત કરી શકાશે. હાલ આ પ્રકારે નોમીની વગર વિવાદના કારણે કરોડો રૂપિયાની બાંધી મુદતની થાપણો ફસાયેલી છે. જો કે નોમીની અને વાસ્તવિક વારસદાર વચ્ચે જે કાનૂની મુદાઓ છે તેને પણ ખાસ રીતે આ નવા સુધારા ખરડામાં આવરી લેવા સરકારની તૈયારી છે.
નવ પ્રસ્તાવિત ખરડામાં હાલના એક નોમીની સામે ચાર નોમીની નિયુક્ત કરવાની છૂટ અપાશે અને દરેકને કેટલો હિસ્સો મળે તે પણ માહિતી આપી શકાશે. આ ઉપરાંત નોમીનીનું વહેલુ મૃત્યુ થાય તો તેના નોમીની કોણ હશે તે પણ દર્શાવી શકાશે. જેના કારણે બેંક તે મુજબ થાપણના નાણા નોમીનીઓ વચ્ચે વહેચી શકશે.
જો કે આ પ્રકારની સુવિધા છતા પણ કાનૂની મુદાઓ તો ઉભા જ છે. નોમીનીને એ કાનૂની વારસદારનો દરજજો આપોઆપ મળી જતો નથી. ઉપરાંત એકથી વધુ નોમીનીથી કાનૂની પ્રશ્નો ઉભા થશે છતાં પણ જેમાં વિવાદ ન સર્જાય તે થાપણોમાં બેંકોને અને થાપણદારોના કુટુંબને મોટી રાહત બનશે.