સાંજે ૬.૦૮ કલાકે આંચકો આવ્યો હતો અને કેન્દ્રબિંદુ તાલાલાથી બે કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળી રહ્યું છે
Gir Somnath,તા.૨૬
ફરી એક વખત ધરા ધ્રૂજી છે. આજે મંગળવારે સાંજના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગીર સોમનાથના તાલાલામાં ભૂંકપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આજે સાંજે ૬.૦૮ કલાકે આંચકો આવ્યો હતો અને કેન્દ્રબિંદુ તાલાલાથી બે કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૩.૨ નોંધાઈ છે.
નોંધનીય છે કે, આ પહેલા ૧૯ નવેમ્બરના રોજ ક્ષિણ ગુજરાતના વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જિલ્લાના ધરમપુર તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે ૧૧.૦૩ વાગ્યે ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોળાઆંબા ગામ નજીક ભુકંપનું એપિસેન્ટર નોંધાયું હતું.તેના એક દિવસ અગાઉ કચ્છ જિલ્લામાં રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ૪.૦ની તીવ્રતાના ભૂકંપને કારણે વાગડની ધરા ધ્રુજી હતી. રાતે ૮.૧૮ મિનિટે અહીંયા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકો દોડીને ઘરની બહાર નીકળ્યા હતા. ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહત્વનું છે કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી ૨૬ કિમી દૂર નોંધાયું હતું.કચ્છમાં આંચકો અનુભવાયો તેના ચાર દિવસ અગાઉ ઉત્તર ગુજરાતની ઘણી બધી જગ્યાએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં પાટણ, પાલનપુર, મહેસાણા અને અમદાવાદ સહિતના શહેરોમાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. જેનું કેન્દ્ર બિંદુ પાટણથી ૧૩ કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું અને રાતે ૧૦.૧૬ કલાકે ભૂકંપ આવ્યો હતો. પરિણામે તે સમયે પણ લોકો ઘરની બહાર લોકોનો જીવ બચાવા દોડ્યા હતા.