Surat,તા.29
ગુજરાતમાં અસામાજિક તત્ત્વો બેફામ બનેલા છે. દરરોજ હત્યા, મારામારી, લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના સુરતમાં ફાયરિંગની ઘટના બની છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આરાધ્યા કોર્પોરેશનની ઓફિસમાં બે રાઉન્ડ ફાયરિંગ થયાના સમાચાર મળી રહ્યા છે. બાઈક પર આવેલા અજાણ્યા બે શખસો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આશીર્વાદ ટાઉનશિપ ગેટ પાસે આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પાસે બાઈક પર આવેલા અજાણ્યા શખસો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે જાણકારી મળતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં પોલીસને સ્થળ પરથી એક ગોળી મળી આવી હતી, જ્યારે અન્ય ગોળીની તપાસ હાથ ધરી છે. શહેરમાં ફાયરિંગની ઘટનાના આરોપીને ઝડપી પાડવા માટે ઉધના પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી.