અત્યાર સુધી ચર્ચા છે કે સીએમ બીજેપીનો હશે, પરંતુ પાર્ટીએ હજુ સુધી કોઈ નામને મંજૂરી આપી નથી
Maharashtra,તા.૩૦
મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ સમારોહ ૫ ડિસેમ્બરે મુંબઈમાં થઈ શકે છે અને શપથ ગ્રહણ સમારોહ આઝાદ મેદાન અથવા મહાલક્ષ્મી રેસ કોર્ટમાં શક્ય છે. પરંતુ, હજુ સુધી સીએમનું નામ નક્કી થયું નથી અને ભાજપે હજુ સુધી ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવી નથી. અહીં, એકનાથ શિંદે ઈચ્છે છે કે બીજેપી જલદીથી પોતાના નેતાની પસંદગી કરે, જેથી કેબિનેટને લઈને વાતચીત થઈ શકે. ભાજપ દ્વારા સીએમના નામની જાહેરાતમાં વિલંબના કારણે નવું નામ આવી શકે છે કે કેમ તેની પણ અટકળો ચાલી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે મહાયુતિના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે અમિત શાહને મળ્યા હતા. અહેવાલ મુજબ, દાવો કરવામાં આવી રહ્યો છે કે બેઠકમાં સંકેતો આપવામાં આવ્યા હતા કે મુખ્યમંત્રી ભાજપના પક્ષમાંથી હશે, પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૩૨ બેઠકો જીતી ત્યારથી જ દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા થવા લાગી છે. પરંતુ, ભાજપે હજુ દેવેન્દ્ર ફડણવીસના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. અમિત શાહ સાથેની બેઠકમાં પણ મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામ પર કોઈ નિશ્ચિતતા વ્યક્ત કરવામાં આવી ન હતી. આ પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ભાજપ સીએમ માટે નવો ચહેરો જાહેર કરી શકે છે.
૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ, એકનાથ ખડસે અને ગોપીનાથ મુંડે સિવાય અન્ય ઘણા નામો ચર્ચામાં હતા, પરંતુ ભાજપે આશ્ચર્યજનક રીતે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો. ઉદ્ધવ સરકારના પતન પછી પણ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ અચાનક એકનાથ શિંદેનું નામ સીએમ માટે સામે આવ્યું. એટલું જ નહીં દેવેન્દ્ર ફડણવીસને એકનાથ શિંદેની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પહેલા પણ બીજેપીએ ઘણા રાજ્યોમાં આ પ્રકારે આશ્ચર્ય સર્જ્યું છે. પરંતુ, સવાલ એ થાય છે કે જો ફડણવીસ સીએમ નહીં બને તો કોને તક મળશે? આ માટે બે નામો સામે આવી રહ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત મુખ્યમંત્રીની રેસમાં બીજું નામ ચંદ્રશેખર બાવનકુલેનું છે, જેઓ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ છે. ચંદ્રશેખર બાવનકુલે કામઠી વિધાનસભા સીટથી ધારાસભ્ય છે અને ચોથી વખત જીતીને વિધાનસભા પહોંચ્યા છે. ચંદ્રશેખર બાવનકુલે ૨૦૧૪ સુધી ફડણવીસ સરકારમાં ઉર્જા અને આબકારી મંત્રી હતા. ચંદ્રશેખર બાવનકુળે, જેઓ તેલી સમુદાયમાંથી આવે છે, તે વિદર્ભ પ્રદેશમાં બીજા નંબરની સૌથી મોટી ઓબીસી શ્રેણી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપે બાવનકુલેની ટિકિટ રદ્દ કરી દીધી હતી, પરંતુ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ તેમને મોટી જવાબદારી આપીને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય બાવનકુલેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પણ નજીકના માનવામાં આવે છે.
દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રશેખર બાવનકુલે ઉપરાંત પુણે લોકસભા સીટના સાંસદ મુરલીધર મોહોલનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં ચાલી રહ્યું છે. ૨૦૨૪ની ચૂંટણીમાં તેઓ પહેલીવાર સાંસદ બન્યા અને પહેલીવાર મોદી કેબિનેટમાં સ્થાન મેળવ્યું. લગભગ ૩ દાયકા પહેલા ભારતીય જનતા પાર્ટી સાથે રાજકીય કારકિર્દી શરૂ કરનાર મુરલીધર મોહોલ પુણેના મેયર પણ રહી ચૂક્યા છે.