Surat,તા.02
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે સુરત મ્યુનિ.ના રિવરફ્રન્ટ બહાર રોડ કાટપીટીયા બજાર બની ગયો છે. જ્યારે બ્રિજથી અડાજણ પાટીયા તરફ જતા રોડના ફુટપાટ પર લારીવાળાનો કબજો છે. સુરત પાલિકાની ગંભીર બેદરકારીને કારણે આ રોડ હવે કાટપીટીયા બજાર જેવો બની ગયો છે. આ ઉપરાંત અહી જે ગંદકી થઈ રહી છે તેના કારણે સુરતની સુંદરતાને પણ ગ્રહણ લાગી રહ્યું છે. ફુટપાથ પર લારીવાળાઓનો કબજો હોવાથી લોકો રસ્તા પર ચાલવા મજબુર બની રહ્યા છે.
સુરત મ્યુનિ. તંત્ર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને અડાજણ છેડે રિવરફ્રન્ટ બનાવ્યો છે, પરંતુ આ રિવરફ્રન્ટ માવજતના અભાવે ખંડેર બની ગયો છે. આ ઉપરાંત રિવર ફ્રન્ટની આસપાસ માથાભારે તત્વોએ કબ્જો કર્યો છે અને ફુટપાથ પર માથાભારે લારીવાળાઓએ કબ્જો જમાવી દીધો છે. . અડાજણના લો લેવલ બ્રિજથી નહેરુ બ્રિજ-વોક વે બ્રિજ સુધીના રસ્તા પર માથાભારે કાટપીટાયાઓએ કબ્જો જમાવ્યો છે. આ જગ્યાએ જુના ભંગાર અને લાકડાના ફર્નિચર મુકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જુના કબાટ અને અન્ય વસ્તુઓ સાથે રીક્ષાનો જમેલો પણ રહે છે. આ જગ્યાએ બનેલા ફુટપાથ પર ભાડે આપવાના લારી નો ખડકલો કરી દેવામાં આવ્યો છે. અહીથી કચરાપેટી ખસેડી દીધો હોવા છતાં લોકો અહીં લોકો કચરો નાખીને ગંદકી ફેલાવી રહ્યાં છે.
નહેરુ બ્રિજથી લો લેવલ બ્રિજ સુધી જતા રસ્તા પર કાટપીટીયાઓના કબજો છે જ્યારે નહેરુ બ્રિજથી અડાજણ પાટીયા તરફ જતા રસ્તા પર માથાભારે લારીવાળાઓ દબાણ કરી રહ્યાં છે. આ રોડ પર રાહદારીઓને ચાલવા માટે બનાવવામાં આવેલા ફુટપાથ પર માથાભારે લારીવાળાઓ લારીઓ મુકી દબાણ કરી રહ્યાં છે. જેના કારણે લોકોએ રોડ પર ચાલવું પડી રહ્યું છે. પાલિકા તંત્ર આ માથાભારે તત્વોને દૂર કરતું ન હોવાથી સુરતના લોકોને મુશ્કેલી પડવા સાથે સુરતની સુંદરતાને પણ ગ્રહણ લાગી રહ્યું છે. પાલિકા તંત્ર ફુટપાથ પરથી માથા ભારે દબાણ કરનારને હટાવી શકતા નથી. જેના કારણે રાહદારીઓએ ફૂટપાથના બદલે રોડ પર ચાલવું પડી રહ્યું છે અને તેના કારણે રાહદારીઓને વાહનની અડફેટેની ભીતિ રહેલી છે.
સીસીટીવી સામે જ ફુટપાથ પર દબાણ, સીસીટીવી લોકોના દંડ માટે દબાણ કરનારા માટે નહીં ?
સુરત ચોક બજાર બ્રિજથી અડાજણ તરફ જતા રસ્તા પર લોકોને ચાલવા માટે ફુટપાથ બનાવ્યા છે. આ ફૂટપાથની આસપાસ ટ્રાફિક નિયમન માટે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. પરંતુ આ સીટીટીવી કેમેરાની સામે આવેલા ફુટપાથ પર જ માથાભારે દબાણ કરનારાઓ રોજ લારીઓ મુકી દે છે. આ કેમેરામાં જો કોઈ સિગ્નલ તોડે કે હેલ્મેટ કે સીટ બેલ્ટ ન હોય તો તેને કેમેરાની મદદથી દંડ કરવામાં આવે છે પરંતુ આ કેમેરામાં ગેરકાયદે દબાણ પાલિકા-પોલીસને દેખાતા ન હોવાથી અકસ્માતનો સતત ભય રહેલો છે.
સુરત શહેરમાં સુરત પોલીસ અને પાલિકા દ્વારા ગુનાખોરી અટકાવવા અને સફાઈ માટે હજારોની સંખ્યામાં કેમેરા ગોઠવ્યા છે. પરંતુ આ કેમેરાનો સૌથી વધુ ઉપયોગ વાહન ચાલકો પાસે હેલ્મેટ કે સીટ બેલ્ટ અથવા ટ્રાફિકના નિયમોને તોડવા માટે જ કરવામાં આવે છે. જોકે, અનેક વખત ગુનેગારને પકડવા માટે સીસીટીવી કેમેરા ઉપયોગી બને છે પરંતુ દબાણ દુર કરવા માટે આ કેમેરાનો ઉપયોગ થતો ન હોય અનેક સમસ્યા થઈ રહી છે.
સુરતના અનેક ફુટપાથ પર માથાભારે તત્વોએ કબ્જો જમાવ્યો છે પરંતુ તેને દુર કરવા માટે ક્યારેય પણ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવતો નથી. જો પાલિકા અને પોલીસે જે રીતે સંયુક્ત રીતે કેમેરા મુક્યા છે તેનો ઉપયોગ માથા ભારે દબાણ કરનારાઓ સામે કરવામાં આવે તો શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી દબાણની સમસ્યા દુર થઈ શકે તેમ છે.