Ahmedabad,તા.02
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્થિત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમની મુલાકાત ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે લીધી હતી. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ અને તેના પરિસરનો રૂ. પાંચ કરોડના ખર્ચે સુયોગ્ય રીતે ભવ્ય સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ અને મહામંત્રી મયુરભાઈ ડાભી, મેઘાણી-ગીતોના વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડ, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે. (આઈએએસ), જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે (આઈએએસ), અમદાવાદ જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દિગપાલસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા, બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા, ધંધુકા એપીએમસી ચેરમેન ચેતનસિંહ ગોહિલ અને પૂર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલ, ભાજપના અગ્રણીઓ રમેશભાઈ ચૌહાણ, ચંદ્રસિંહ ચુડાસમા, સહદેવસિંહ ચુડાસમા અને માધવીબેન દિક્ષીત, નિવાસી ધંધુકા મદદનીશ કલેકટર વિદ્યાસગર (આઈએએસ), અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશભાઈ ઠક્કર, ધોલેરા મામતદાર જયદીપસિંહ ચૌહાણ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કૌશલભાઈ બ્રહ્મભટ્ટ, નાયબ કાર્યપાલક ઈજનેર વી. પી. જોષી, મદદનીશ ઈજનેર આશિલભાઈ પટેલ અને પાર્થભાઈ શાહ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના નાયબ કાર્યપાલક ઈજનેર એચ. કે. પટેલ, સેકશન ઑફિસર આકાશભાઈ પ્રજાપતિ અને સોહેલભાઈ સૈયદ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના નાયબ કાર્યપાલક ઈજનેર એ. ડી. ચારોલીયા, કિરણભાઈ પરમાર, બાબુભાઈ ગમારા, માતમભાઈ ગમારા, વિજયપુરી ગોસ્વામી, જય સોમાણી, અમિતભાઈ રાણપુરા, રમેશભાઈ અને દર્શન બદ્રેશિયા, શબ્બીરભાઈ મોદન, જ્ઞાનદેવસિંહ રાઠોડ, રફીકભાઈ ખલીફા, ઈકબાલ ખલીફાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
મેઘાણી-પ્રતિમાને મંત્રી ઋષિકેશભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રેસ્ટ-હાઉસના ચાર ખંડમાં સિંધુડો – ધોલેરા સત્યાગ્રહ, ધંધુકા અદાલત અને સાબરમતી જેલના ગૌરવવંતા ઈતિહાસને નિરૂપતી કલાત્મક પ્રતિમાઓ અને દુર્લભ તસ્વીરોનું માહિતીસભર પ્રદર્શન તેમજ ગાંધી-દર્શન કોર્નર, મેઘાણી-સાહિત્ય કોર્નર ધરાવતું સમૃધ્ધ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલય તથા પરિસરમાં મેઘાણી ઓટલો તથા મેઘાણી સ્મૃતિ નામે નવીન સાંસ્કૃતિક ભવનને રસપૂર્વક નિહાળીને રાજીપો વ્યક્ત કર્યો હતો. આ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળની મુલાકાત લઈને વિશ્વભરમાં વસતાં ભાવિકો અને ખાસ કરીને નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્યની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થશે તેમજ રાષ્ટ્ર-ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થશે તેવી શ્રધ્ધા વ્યક્ત કરી હતી. આપણી સંસ્કૃતિ અને ઈતિહાસનું જતન કરવાનું આપણું સવિશેષ દાયિત્વ છે અન્યથા નવી પેઢી આપણને કદાપિ માફ નહીં કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળને જીવંત રાખવા બદલ પિનાકી મેઘાણીને અભિનંદન આપ્યા હતા. લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનાં આસ્વાદ થકી ઉપસ્થિત સહુને ડોલાવી દીધા હતા.
આઝાદીની લડત વેળાએ 28 એપ્રિલ 1930ના રોજ ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ ખાતે ત્યારે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા હતા. પોતાનો બચાવ ન કરતા, ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમનાં 15 શૌર્યગીતોનાં પોતાનાં સંગ્રહ સિંધુડોમાંથી દર્દભર્યું કાવ્ય છેલ્લી પ્રાર્થના ગાયું ને ત્યારે ત્યાં ઉપસ્થિત હજારોની માનવમેદની અને મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. સમસ્ત ભારતમાં એક માત્ર આ અનન્ય અને ઐતિહાસિક પ્રસંગનો સ્વતંત્ર્ય-સંગ્રામમાં ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.

