Jamnagar,તા.04
ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં રહેતા બે યુવાનો ગઈકાલે દ્વારકા રોડ ઉપરથી એક ખાનગી કંપનીમાંથી નોકરી કરીને ખંભાળિયા પરત ફરી રહ્યા હતા. ત્યારે સ્લીપ થઈ જવાના કારણે એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેની સાથે જઈ રહેલા તેમના મિત્રને પણ ગંભીર ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા શહેર નજીકની આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતો અતુલભાઈ મનજીભાઈ ચોપડા નામનો ૨૪ વર્ષનો સથવારા યુવાન તેના મિત્ર હાદક સતવારાને મોટરસાયકલ પર સાથે લઈને પરત બંને યુવાનો પરત ફરી રહ્યા હતા. ત્યારે નંદાણા ગામ નજીક સર્જાયેલા બાઈક અકસ્માતમાં અતુલ તથા તેના મિત્ર હાદકને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અતુલનું મૃત્યુ નીપજ્યાનું તબીબો જાહેર કર્યું હતું. જ્યારે હાદકને પણ ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે હાલ કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. કારણ કે એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે, અને અન્ય એક યુવાન બેભાન અવસ્થામાં છે. આ બનાવની જાણ થતા સતવારા આગેવાનો તેમજ કાર્યકરોએ ઘટના સ્થળે તેમજ ઘવાયેલાને જામનગર ખસેડવા માટે દોડી જઈને સહાયભૂત બન્યા હતા. આ બનાવે સતવારા સમાજમાં અરેરાટી પ્રસરાવી છે.