Sehore,તા.04
સિહોરમાં આવેલી પોસ્ટ ઓફિસને અન્ય સ્થળે ખસેડી બીજા માળે કાર્યરત કરવામાં આવેલી છે. આ પોસ્ટ ઓફિસ એક તો બીજા માળે છે અને તે પણ સાંકળી જગ્યામાં હોવાથી વૃદ્ધો, મહિલાઓ અને અશક્ત ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત પોસ્ટ ઓફિસમાં એજન્ટોનું રાજ ચાલતું હોય તેવા પણ ગ્રાહકોને કડવા અનુભવ થઈ રહ્યા હોવાનો કકળાટ સાંભળવા મળી રહ્યો છે.
સિહોરના મધ્ય મુખ્ય બજારમાં વર્ષોથી પોસ્ટ ઓફિસ કાર્યરત હતી. આ પોસ્ટ ઓફિસની મિલકતને બિલ્ડરોએ ખરીદી લઈ અધિકારીઓની મીલિભગતથી ખાલી કરી દેવામાં આવી હતી. અહીં નવું કોમ્પલેક્ષનું નિર્માણ કરી પોસ્ટ ઓફિસની જેટલી જગ્યા હતી. તેમાં પોસ્ટ ઓફિસ બનાવી આપવાના કરાર પણ કરાયા હતા. તેમ છતાં ત્રણથી ચાર વર્ષ જેટલો સમય થયો હોય, તો પણ નવા કોમ્પલેક્ષના કોઈ ઠેકાણાં નથી. હાલ પોસ્ટ ઓફિસની બ્રાંચ બસ સ્ટેન્ડના ઢાળમાં આવેલા કોમ્પલેક્ષમાં બીજા માળે બે દુકાનમાં ફેરવી નાંખવામાં આવી છે. આ કોમ્પલેક્ષમાં લિફ્ટની કોઈ સુવિધા ન હોવાથી વૃદ્ધો, અશક્ત લોકો અને વિધવા પેન્શનવાળા મહિલા ગ્રાહકોને ફરજીયાત દાદર ચડીને જવું પડે છે. તેમાં પણ પોસ્ટ ઓફિસે પહોંચે ત્યારે સાંકડી જગ્યા હોવાથી ગીર્દીના પાર હોતા નથી. અધુરામાં પુરૂ પોસ્ટ ઓફિસમાં એજન્ટો ટેબલ-ખુરશી નાંખીને પડયા પાથર્યા રહે છે. કોઈ ગ્રાહકને ડાયરેક્ટ ખાતું ખોલવું હોય, ડિપોજીટ મુકવી હોય કે અન્ય નાના-મોટા કામ કરાવવા હોય તો પોસ્ટના કર્મચારી પુરૂ માર્ગદર્શન આપતા નથી અને એજન્ટો પાસે ધક્કો ખવડાવતા હોવાની રાવ ઉઠી છે.
નવું ખાતું ખોલાવનાર ગ્રાહકોને ચેકબુક અને એટીએમ આવે ત્યારે પોસ્ટ ઓફિસમાંથી બહારના એટીએમમાં એટીએમ શરૂ કરવા માટે ફરજ પાડવામાં આવે છે. પરંતુ અન્ય એટીએમમાં કોડથી કાર્ડ શરૂ થતું ન હોય, ત્યારે કસ્ટમર કેરમાં ફોન કરવાથી નજીકની પોસ્ટ ઓફિસે જવાનું કહેવામાં આવે છે. જ્યાં કર્મચારી કોઈ કાર્યવાહી કરતા ન હોવાથી ગ્રાહકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ જે બે દુકાનમાં પોસ્ટ ઓફિસ કાર્યરત છે, તેનું બિલ્ડર દ્વારા માત્ર એક હજાર રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં અવો છે. ત્રણથી ચાર વર્ષ જેટલો લાંબો સમય વિત્યો હોવા છતાં નવું કોમ્પલેક્ષ બન્યું ન હોય, પોસ્ટ ઓફિસને સિહોરની મધ્યમાં આવેલી બજારમાં ક્યારે ફેરવવામાં આવશે ? તેવો પ્રશ્ન ઉભો થયો છે. હાલ લોકોને હાલાકી વેઠવી પડી રહી હોય, અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવી જોઈએ તેવી સિહોરની જનતામાં માંગ ઉઠી છે.