Patan,તા.૪
પાટણમાં ક્રિપ્ટો કરન્સીના નામે સાઇબર ફ્રોડ કરનાર ઝડપાયો છે. ટેલિગ્રામમાં ટાસ્ક બિઝનેસમાં રોકાણ કરવાની લાલચ આપીને ૩૩ લાખથી વધુ રકમનું સાઇબર ફ્રોડ કરનાર મહાઠગ અજય આનંદભાઈ ઇટાલિયાને પાટણની સાઇબર સેલની ટીમે ઝડપ્યો છે. અજય ઇટાલિયા સુરતનો વતની છે. તેણે અગાઉ પણ આ પ્રકારના કૌભાંડ આચર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. અગાઉ સુરત અને જૂનાગઢ ખાતે પણ આ પ્રકારના ત્રણ જેટલા ગુના નોંધાયાનું પ્રકાશમાં આવ્યું છે.
ફરિયાદીના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેની સાથે ટેલિગ્રામમાં ટાસ્ક પૂરો કરવાની વોટ્સએપથી વાતચીત કરી હતી. અને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડીંગ કરાવી મોટી રકમનું કમિશન કમાવવાની લાલચ આપી હતી, જેના વિશ્વાસમાં આવી ફરિયાદીએ રૂ. ૩૩ લાખ અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી આર.ટી.જી.એસ, યુપીઆઈ, નેટ બેન્કિંગથી ટ્રાન્સફર કરાવી તેમાંથી ફરીયાદીને વિશ્વાસ કેળવવા રૂ. ૧૪૯૬૧ પરત આપ્યા હતા અને બાકીના કુલ રૂા.૩૩,૦૮,૪૧૮ નું ઓનલાઈન સાયબર ફ્રોડ કર્યું હતું, જે અંગેની ફરિયાદ ફરિયાદીએ પાટણ સાયબર સેલમાં નોંધાવી હતી.
આ પ્રકરણમાં આરોપી અજયએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે બેંક ખાતા ધારકને કમિશનની લાલચ આપી બેંક ખાતા ભાડે લેતો હતો અને તે ગુજરાતમાં એક્ટિવ કરાવી ભારત બહાર મોકલાવી તે બેંક ખાતાઓમાં લોકોને ટેલિગ્રામ ચેનલ મારફતે ટાસ્કના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી છેતરપિંડીનો શિકાર બનાવતો હતો.