Porbandar , તા.5
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની શરૂઆતમાં જ ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે ઉનાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળતી હોય છે અને રૂ. 500થી 1000 સુધીના કેરીના બોકસનુ વેંચાણ થતું હોય છે. પરંતુ આજ કેસર કેરી શિયાળામાં દશ ગણા ભાવે વેંચાય છે.
પોરબંદરના બરડા પંથકમાં આવેલા આંબાના બગીચામાં હાલ શિયાળાના સમયમાં કેટલાક આંબામાં કેસર કેરીનું ઉત્પાદન થયું છે. એક સપ્તાહમાં ત્રીજી વખત કેસર કેરીની આવક જોવા મળી હતી. કેસર કેરીના બે બોકસની આવક જોવા મળી હતી જેમાં એક કેરીનું બોકસ રૂ.10 હજારમાં વેંચાયું !
પોરબંદરમાં શિયાળાના સમયમાં માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં ફળોની હરાજી કરતા કેતન રાયચુરાને ત્યાં ખંભાળાના ખેડૂત નાથભાઈ કારાભાઈ મોરી બે કેસર કેરીના બોક્સ લઈને આવ્યા હતા. જેને પગલે વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.
વેપારી કેતન રાયચુરાએ તો કેસર કેરીના બોકસને અગરબત્તી કરી હતી અને પેંડા વહેંચી જય માતાજીના નાદ સાથે કેસર કેરીના બે બોક્સની હારાજી શરૂ કરી હતી. બન્ને બોકસ રૂ.10-10 હજારમાં વેંચાયા હતા જેને પગલે ખેડૂતના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
દિલીપભાઈ નામના વ્યકિતએ બંને બોક્સની ખરીદી કરી હોવાનું વેપારીએ જણાવ્યું હતું. છેલ્લા પાંચ દિવસમાં આજે સૌથી વધારે એટલે કે રૂ.10 હજારનું બોક્સ વેંચાયું હતું.
પાંચ દિવસ પૂર્વે આવેલું કેસર કેરીનું બોક્સ રૂ.8501માં વેંચાયું હતું. જ્યારે બે દિવસ પૂર્વે આવેલું કેસર કેરીનું બોક્સ રૂ.7501માં વેંચાયું હતું. જ્યારે આજે રૂ.10 હજારમાં એક બોક્સ વેચાયું હતું.