Ahmedabad,તા.5
આંતર રાષ્ટ્રીય શિક્ષણ બોર્ડ-સંસ્થાઓ સાથે જોડાણ ધરાવતી ગુજરાતની સંખ્યાબંધ સ્કુલોને જીએસટી વિભાગે નોટીસ ફટકારતાં શિક્ષણ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. 2017 ની પાછલી અસરથી જોડાણ ફીમાં 18 ટકાના દરે ટેકસ ભરવા સુચવાયું છે. આ કદમથી સ્કુલો ફી વધારો કરે તેવા પણ ભણકારા છે.
સ્કુલો દ્વારા આંતર શિક્ષણ બોર્ડ સાથેના જોડાણને આયાતી સેવા ગણવામાં આવી રહી છે અને રીવર્સ ચાર્જ મિકેનીઝમ હેઠળ 18 ટકાના દરે જીએસટી ચુકવણાનું કહેવામાં આવ્યું છે. ટેકસ જવાબદારીનો આ આંકડો લાખોમાં થવા જાય તેમ હોવાથી સ્કુલ સંચાલકો તેનો બોજ વિદ્યાર્થીવાલીઓ પર ઝીંકી શકે છે.
પરિણામે ફી વધારાની સ્થિતિ સર્જાશે. કરવેરા નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે કાયદાનુસાર સેવા (સર્વીસ) ની આયાત સપ્લાય તરીકે ગણાય છે અને તે કરપાત્ર છે.કેમ્બ્રીજ સ્કુલોએ 18 ટકાના ધોરણે જીએસટી ચુકવવો પડે 1 જુલાઈ 2017 ની પાછલી અસરથી તે માંગવામાં આવ્યો છે.
જીએસટી કાઉન્સીલની ગત સપ્ટેમ્બરમાં યોજાયેલી બેઠકમાં આ મુદે સ્પષ્ટતા થયા બાદ સ્કુલોને નોટીસો ફટકારવામાં આવી છે. જીએસટી કાઉન્સીલે સ્પષ્ટ કર્યું હતું કે સેન્ટ્રલ શિક્ષણ બોર્ડ કાઉન્સીલ અથવા સમાન સંસ્થા દ્વારા અપાતી જોડાણ સેવા કરપાત્ર બને છે.
શિક્ષણ સેવા પર કોઈ જીએસટી નથી પરંતુ સ્કુલોનાં જોડાણ સહીતની અન્ય સેવા જીએસટીનાં દાયરામાં આવે છે. રિવર્સ ચાર્જ મીકેનીઝમ હેઠળ ઈનપુટ યેકસ ક્રેડીટનાં લાભ વિના સ્કુલો 18 ટકા જીએસટી ચુકવવા બંધાયેલી છે.
કરવેરા નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, જીએસટી વિભાગે ટેકસ ઉપરાંત ચડત વ્યાજ અને પેનલ્ટીની રકમ ઉમેરીને નોટીસો ફટકારી છે. આવી સ્કુલને અંદાજીત 25 થી 30 લાખ ચુકવવાની નોટીસ છે. આ પ્રકારની નોટીસથી સ્કુલ સંચાલકો સ્તબ્ધ બની ગયા છે અને કાનુની સલાહ મેળવવા લાગ્યા છે.
કેમ્બ્રીજ એન્ડ ઈન્ટરનેશનલ બોર્ડ સાથે જોડાણ ધરાવતી જે.જી.ઈન્ટરનેશનલ સ્કુલનાં ચેરમેન એમ.પી.ચંદ્રને કહ્યું કે જીએસટી વિભાગની કાર્યવાહી એકતરફી છે અને સુનાવણી માટે પણ તેડાવાયા નથી. તુલીપ, આનંદ નિકેતન સહીત રાજયની 50 જેટલી સ્કુલોને આ પ્રકારની નોટીસો ફટકારવામાં આવી છે.