Gandhidham,તા.06
બોલિવૂડ મૂવી સ્પેશિયલ ૨૬ ની માફક ગાંધીધામમાં સોની વેપારીને દબાવી તેના પાસેથી નાણાં અને દાગીના પડાવી લેવા માટે નકલી ઈડી ના અધિકારીઓ દ્વારા ખોટો દરોડો પાડવામાં આવ્યો હતો. અમદાવાદ, ભુજ અને ગાંધીધામના ૧૩ લોકોની નકલી ઈ.ડી. ટીમમાં સામેલ અમદાવાદની એકમાત્ર મહિલાએ સોનાના દાગીના ચોરી કરી લીધા હતાં. સોની વેપારીને તેની જાણ થઈ જતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીના અધિકારી બનેલા ૧૩ પૈકીના ૧૨ લોકોને ઝડપી બાવીસ લાખના દાગીના અને ગુનામાં વપરાયેલી ૩ કાર સહિત ૪૫ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ૧૫ દિવસ પહેલાં આદિપુરની એક ચાની હોટલ પર ઈ.ડી.ના અધિકારી બની ખોટી રેઇડ પાડવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. પરંતુ આયોજન મુજબ ન થતાં અને અમદાવાદથી આવેલા સાગરિતો દ્વારા દગો કરવામાં આવતા પ્લાન ફેલ થયો હતો અને હાલે આ સમગ્ર ગુનામાં સંડોવાયેલા ૧૩ પૈકીનાં મહિલા સહિતના ૧૨ ઇસમો જેલહવાલે થયાં છે. પોલીસનું કહેવું છે કે, પાંચ-છ વર્ષ પહેલાં આ જ સોનીને ત્યાં ઈનકમટેક્સના દરોડામાં ૧૦૦ કરોડનો દલ્લો મળ્યો હતો. નકલી રેડ કરી ખરેખર મોટો દલ્લો છે તેવું સ્પષ્ટ થાય તો અસલી ઈડીને બોલાવી ૧૦ ટકા રિવોર્ડ મળે તો પણ ૧૦ કરોડ મળવાની આશા હતી. પણ, અમદાવાદની નિશા મહેતા નામની મહિલાએ દાગીના ચોરતાં વાત વણસી અને પોલીસ ફરિયાદ થઈ હતી.
મહિલા સહિત અમદાવાદ છ અને ભુજ-ગાંધીધામના ૬ શખ્સોને પોલીસે ઝડપ્યાંઃ ૧૫ દિવસ પહેલા ચા ની હોટલ પર પ્લાન બનાવી ખોટો દરોડો પાડયો
પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમારે જણાવ્યુ કે, આદિપુરમાં રહેતા આરોપી ભરત શાંતિલાલ મોરવાડીયા (સોની)એ તેના મિત્ર મેઘપર-બોરિચી માં રહેતા દેવાયત વિસુભાઈ ખાચરને માહિતી આપી હતી કે ગાંધીધામની રાધિકા જવેલર્સ નામની પેઢીમાં અગાઉ પાંચ-છ વર્ષ પહેલા આઈ.ટી.ની રેઇડ પડી હતી અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના-ચાંદી તથા રોકડ ૨કમ મળી હતી. જવેલર્સના માલિક પાસે હજુ પણ ૧૦૦ કરોડથી વધારેની મિલકતો હોવા અંગેની વાત પણ તેણે કરી હતી. દેવાયત ખાચરે તેના મિત્ર અને ભુજમાં સાપ્તાહિક ચલાવતા પત્રકાર અબ્દુલ સતાર માંજોઠીને આ અંગે વિગતો આપી હતી. અબ્દુલે આ માહિતી તેના મિત્રો ભૂજના ઘનશ્યામ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા હિતેષ ચત્રભૂજ ઠક્કર તથા પ્રમુખ સ્વામી નગરમાં રહેતા વિનોદ રમેશભાઈ ચુડાસમાને ભુજ ખાતે મળી સમજાવી ઈ.ડી.ની રેડ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. ત્યા૨બાદ દેવાયત ખાચર, અબ્દુલસતાર માજોઠી, હિતેષ ઠકકર,વિનોદ ચુડાસમા સાથે બનાવના પંદરેક દિવસ અગાઉ સાંજના સમયે આદિપુર બસ સ્ટેશન સામે આવેલ રજવાડી ચાની હોટલ ખાતે મુલાકાત કરી અને નકલી રેઈડ ક૨વા માટે પ્લાન બનાવ્યો હતો. આ પ્લાનને સફળ બનાવવા માટે વિનોદ ચુડાસમાએ અમદાવાદમાં રહેતા મિત્ર આશિષ મિશ્રાનો સંપર્ક કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભુજના ઇસમો દ્વારા પહેલા ખોટી રેઇડ કરી ચીજ વસ્તુઓ જોઈ સાચા ઈ.ડી.ના અધિકારીઓને બોલાવી દરોડો પડાવવાનો પ્લાન હતો. જેથી વિનોદ ચુડાસમા દ્વારા આશિષને ફોન કરી સમગ્ર વાત જણાવતાં અમદાવાદના સારાંશ એમ્બિયન્સમાં રહેતા આશિષ રાજેશભાઈ મિશ્રાએ ચાંદખેડામાં રહેતા તેના સાથીદાર ચંદ્રરાજ મોહનભાઇ નાયરને વાત કરતાં ચંદ્રરાજ સાથે કામ કરતાં અને સાબરમતી ખાતે રહેતા અજય જગન્નાથ દુબે, ચાંદખેડામાં રહેતા અમિત કિશોરભાઇ મહેતા, નિશા અમિત મહેતા તથા વિપીન શર્મા સાથે ઈ.ડી.ના નકલી અધિકારી તરીકે અમદાવાદ ખાતે ડીવીઝન રેલ મેનેજર (ડીઆરએમ)ની ઓફીસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા અમદાવાદના રામદેવ નગરમાં રહેતા શૈલેન્દ્ર અનિલ દેસાઇને સાથે રાખી રેડ ક૨વાની જગ્યા તેમજ તેના મકાને રેડ દરમ્યાન મહિલાઓ હોવાનું જણાવ્યું હતું. ઈ.ડી.ના અધિકારી તરીકેનો પહેરવેશ જેમાં ત્રણ વ્યક્તિઓએ શૂટ પહેરવાનો નક્કી કરી તેમજ મહિલાઓને સર્ચ કરવા માટે મહિલા નિશા મહેતાને પણ સાથે રાખી અમદાવાદ રહેતા આરોપીઓ અલગ-અલગ બે વાહનથી ગાંધીધામ ખાતે આવ્યા હતા. વાત હતી સાચા અધિકારીઓને લાવવાની પરંતુ અમદાવાદથી આવેલા તમામ લોકો ખોટા અધિકારી હતા તેવું પણ પોલીસે જણાવ્યુ હતું.
અમદાવાદથી બે કારમાં છ લોકો આવ્યા બાદ સ્થાનિક આરોપીઓને ગાંધીધામ બસ સ્ટેશનની નજીક મળી અલગ-અલગ વાહનોમાં બેસી ગાંધીધામની રાધિકા જ્વેલર્સની દુકાન પર જઈ આરોપી શૈલેન્દ્ર દેસાઈએ ઈ.ડી.ના અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી તેણે બનાવટી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારી અંકિત તિવારીના નામની નકલી આઇ કાર્ડ બતાવી જવેલર્સ ખાતે ખોટી રેઇડ પાડી હતી. ત્યારબાદ રાધિકા જ્વેલર્સના માલિક કનૈયા પ્રતાપભાઈ ઠક્કર ના મકાન ઉ૫૨, તેમના ભાઈઓના મકાન પર વધુ તપાસ ક૨વાનો ઢોંગ કરી તેના મકાને જઈ ઈ.ડી.ના અધિકારી તરીકે ઓળખ આપી મકાનમાં સર્ચ કરી ફરિયાદીનાં મકાનમાં રહેલા સોનાના દાગીના તથા રોકડ રકમ અલગ તારવી ત્યાથી નીકળી ગયા હતા. બાદમાં એવું જણાયું હતું કે મહિલા આરોપી નિશા મહેતાએ ઘરના સદસ્યોની નજર ચુકવી સોનાના દાગીનામાંથી કેટલાક દાગીનાની ચોરી કરી લીધી હતી. જે બાબત ધ્યાને આવતા ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. જોકે આ બનાવમાં આરોપી વિપિન શર્મા હજુ પણ ફરાર છે.