વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ડેટા અનુસાર, વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં સતત છ મહિના (મે-ઓક્ટોબર) રોકાણમાં વધારો કર્યા બાદ નવેમ્બરમાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં ઘટાડો થયો છે. ડેટા અનુસાર, ગયા મહિને ૨૨ નવેમ્બર સુધી વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં ૨.૧ અબજ ડોલર એટલે કે ૩૦.૧ ટનનો ઘટાડો થયો છે.
જો આપણે આ વર્ષે ૨૨ નવેમ્બર સુધી જોઈએ તો, ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં ૨.૪૩ બિલિયન ડોલરનો વધારો થયો છે. મે ૨૦૨૪ પહેલા પણ સતત ૧૨ મહિના સુધી વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં આઉટફ્લો જોવા મળ્યો હતો.
નિષ્ણાતોના મતે, ચીનની સેન્ટ્રલ બેંક દ્વારા ખરીદી બંધ થયા પછી, સોનાને રોકાણ એટલે કે ઈટીએફ માંગથી સૌથી વધુ ટેકો મળ્યો. જો ભવિષ્યમાં ઈટીએફની માંગ સતત સુસ્ત રહેશે તો સોના પર દબાણ આવી શકે છે.
ચીનની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈના પાસેથી મળેલી માહિતી અનુસાર ઓક્ટોબરમાં સતત છઠ્ઠા મહિને ચીનના સોનાના ભંડારમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, નિષ્ણાતો માને છે કે સોનાના ભાવમાં ઘટાડો અને ટ્રમ્પની જીત બાદ બદલાતા ભૌગોલિક-રાજકીય માહોલને જોતા ચીનની સેન્ટ્રલ બેંક ફરીથી સોનાની ખરીદી શરૃ કરી શકે છે.
આ વર્ષે એપ્રિલ સુધી ચીનના સોનાના ભંડારમાં સતત ૧૮ મહિના સુધી વધારો જોવા મળ્યો હતો. એપ્રિલ દરમિયાન ચીનનો સોનાનો ભંડાર ૨ ટન વધીને ૨,૨૬૪ ટન થયો હતો. જોકે, ચીનના સોનાના ભંડારમાં ૧૮ મહિનામાં આ સૌથી ઓછો વધારો હતો. આક્ટોબર ૨૦૨૨ની સરખામણીમાં, આ લગભગ ૩૧૯ ટન એટલે કે ૧૬.૫ ટકા વધુ છે. ઓક્ટોબર ૨૦૨૨ના અંતે ચીનનો કુલ સોનાનો ભંડાર ૧,૯૪૮.૩૨ ટન હતો, જ્યારે કુલ અનામતમાં હિસ્સો ૩.૧૯ ટકા હતો.
હાલમાં, ચીનના કુલ ફોરેક્સ રિઝર્વમાં સોનાના ભંડારનો હિસ્સો ૪.૯ ટકા છે. માર્ચ-મે ૨૦૨૩ના સમયગાળાને બાદ કરતાં, એપ્રિલ ૨૦૨૨થી એપ્રિલ ૨૦૨૪ સુધી રોકાણની માંગ સતત નકારાત્મક ઝોનમાં હતી.