મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધતા અટકી ધીમા ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પીછેહટ બતાવતા હતા. વિશ્વ બજાર ઘટતાં તથા ગરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ નીચા ઉતરતાં દેશમાં આયાતી થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઘટતાં ઝવેરી બજારમાં ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૬૫૦થી ૨૬૫૧ વાળા નીચામાં ૨૬૧૩ થઈ ૨૬૪૦થી ૨૬૪૧ ડોલર રહ્યા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તથા ક્રૂડતેલના ભાવ ઘટતાં વિશ્વ બજારમાં આજે સોનામાં ઉંચા મથાલે ફંડોની વેચવાલી વધી હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ નીચામાં ૩૦.૯૦ થઈ ૩૧.૨૧થી ૩૧.૨૨ ડોલર રહ્યા હતા.
ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૩૦૦ ઘટીરૂ.૯૧૨૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૭૮૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૯૦૦૦ રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ નીચામાં ૯૩૪ થઈ ૯૩૯થી ૯૪૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૯૫ ટકા વધ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતોે.
ઓપેકના દેશોએ ઉત્પાદન વૃદ્ધીનો અમલ જે જાન્યુઆરીથી થવાનો હતો તે હવે એપ્રિલથી કરવાનો નિર્ણય કરવા છતાં વિશ્વ બજારમાં નવી માગના અભાવે ક્રૂડતેલના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૧.૩૨ થઈ ૭૧.૫૬ ડોલર તતા યુએસ ક્રૂડના નીચામાં ૬૭.૫૫ થઈ ૬૭.૭૬ ડોલર રહ્યા હતા. અમેરિકામાં જો કે ક્રૂડતેલનો સ્ટોક ૫૦થી ૫૧ લાખ બેરલ્સ ઘટયાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારામાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના ઘટી રૂ.૭૫૮૪૭ થઈ છેલ્લે રૂ.૭૫૮૮૨ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ ઘટી રૂ.૭૬૧૫૨ થઈ છેલ્લે રૂ.૭૬૧૮૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૮૨૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.