ગુરુવારે ૧,૦૦,૦૦૦ ડોલરની વિક્રમી સપાટી પાર કર્યા બાદ મુખ્ય ક્રિપ્ટો કરન્સી બિટકોઈનમાં છેલ્લા ચોવીસ કલાકમાં મોટી અફરાતફરી જોવા મળી હતી. ૧,૦૩,૫૮૩ ડોલરની વિક્રમી સપાટીએથી બિટકોઈન છેલ્લા ચોવીસ કલાકમાં ગબડીને એક તબક્કે ૯૪૦૦૦ ડોલરની અંદર સરકી ગયો હતો. જો કે મોડી સાંજે ભાવ ફરી બાઉન્સ બેક થઈ ૯૮૦૦૦ ડોલરની આસપાસ જોવા મળ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૧૦૩૫૬૭ ડોલર અને નીચામાં ૯૩૪૬૮ ડોલર જોવાયો હતો.
ઊંચા મથાળે નફા બુકિંગ આવતા બિટકોઈનમાં અફરાતફરી જોવા મળી હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. ટ્રમ્પના વિજય બાદ બિટકોઈનમાં હાલમાં ભાવમાં મોટી વધઘટ જોતા સંસ્થાકીય રોકાણકારો એકદમ સક્રિય હોવાના સંકેત મળી રહ્યા છે જ્યારે રિટેલ રોકાણકારોનો સહભાગ હજુ જોવા મળતો નથી.
બિટકોઈનમાં કરેકશનને પગલે ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ઘટી ૩.૬૦ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી.
અમેરિકાના સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી)ના નિવૃત્ત થઈ રહેલા હાલના અધ્યક્ષ ગેરી જેન્સલરના સ્થાને ડોનાલ્ડ ટ્રમ્પેે ક્રિપ્ટો માર્કેેટસના તરફદાર પૌલ એટકિન્સ પર પસંદગી ઢોળતા બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોસને ગુરુવારે આવશ્યક ટેકો મળ્યો હતો.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ પોઝિટિવ વાતાવરણનો ક્રિપ્ટો માર્કેટસને લાભ મળી રહ્યો હોવાનું સિટી બેન્ક દ્વારા મત વ્યકત કરાયો હતો. હળવી નાણાં સ્થિતિ અને સ્થિતિસ્થાપક વિકાસ ક્રિપ્ટો ટોકન્સ માટે પોઝિટિવ હોવાનું પણ બેન્ક દ્વારા એક નોટમાં જણાવાયું હતું.