મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે વિશ્વ બજાર પાછળ સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર પણ પીછેહટ બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૪૦થી ૨૬૪૧ વાળા ઉંચામાં ૨૬૪૫ થયા પછી નીચામાં ભાવ ૨૬૧૩ થઇ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૨૬૩૩થી ૨૬૩૪ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજાર પાછળ ઘર આંગણે પણ કિંમતી ઘાતુઓના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૩૦૦ ઘટી ૯૯.૫૦ના રૂા. ૭૮૫૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૭૮૭૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલો દીઠ રૂા. ૨૦૦ ઘટી રૂા. ૯૧૦૦૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૧.૨૧થી ૩૧.૨૨ વાળા ઉંચામાં ૩૧.૪૩ થયા પછી નીચામાં ભાવ ૩૦.૮૨ થઇ છેલ્લે ૩૦.૯૬થી ૩૦.૯૭ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ ઉંચકાતા વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી દેખાઇ હતી. વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ ૧૦૫.૪૨ થયા પછી ઉંચામાં ૧૦૬.૧૬ થઇ છેલ્લે ૧૦૫.૯૭ રહ્યાના સમાચાર હતા.
અમેરિકામાં જોબગ્રોથ વધી ૨ લાખ ૨૭ હજાર આવ્યો હતો. ઓક્ટોબર કરતાં ત્યાં નવેમ્બરનો જોલબ્રોથ નોંધપાત્ર ઉંચો આવ્યો છે. જો કે આમ છતાં ત્યાં બેરોજગારીનો દર ૪.૧૦થી વધી ૪.૨૦ ટકા આવ્યો છે! ત્યાં જોબલેસ ક્લેઇમ્સ બેરોજગારીના દાવા ૯૦૦૦ વધી ૨ લાખ ૨૪ હજાર આવ્યા હતા.
વેપાર ખાધ ૧૧.૯૦ ટકા ઘટી ૭૩.૮૦ અબજ ડોલર આવી છે. આ વિવિધ આંકડાઓના આધારે હવે પછી અમેરિકામાં ફેડરલ રિઝર્વની ૧૭ તથા ૧૮ ડિસેમ્બરે મળનારી મિટિંગમાં વ્યાજના દરમાં કેટલો ઘટાડો કરવામાં આવે છે તેના પર બજારની નજર રહી હતી.
વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ ઉંચકાતા વિવિધ કોમોડિટીઝમાં ફંડોની વેચવાલી વચ્ચે ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. ક્રૂડ તેલ બજારમાં બ્રેન્ટના ભાવ બેરલના ૭૧.૫૬ વાળા નીચામાં ૭૦.૮૫ થઇ ૭૧.૧૨ ડોલર છેલ્લે રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઘટી ૬૬.૯૮ થઇ ૬૭.૨૦ ડોલર રહ્યા હતા. ભારતમાં ક્રૂડની આયાત વર્તમાન નાણા વર્ષના પ્રથમ છ મહિનામાં ૧૨ ટકા વધી ૭૧.૩૦ અબજ ડોલર થઇ છે.
જે પાછલા વર્ષે આ ગાળામાં ૬૩.૭૦ અબજ ડોલર થઇ હતી. ભારતમાં સ્થાનિક ઉત્પાદન ઓછું તથા માગ ઉંચી છતાં દેશમાં ક્રૂડની આયાત પરનો આધાર ઉંચો રહ્યો છે અને તેના પગલે જ્યાં સુધી સ્થાનિક ઉત્પાદન વધે નહિ અથવા તો વૈક્લ્પિક ઉર્જાઓનો વપરાશ વધે નહિ ત્યાં સુધી ક્રુડની આયાત પરનો આધાર વધુ રહેવાની ગણતરી જાણકારો બતાવતા હતા.
દરમિયાન, મુંબઇ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂા. ૮૪.૬૯ વાળા રૂા. ૮૪.૭૨ રહ્યા હતા. મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ઘટી આજે રૂા. ૭૫૭૫૦ તથા ૯૯.૯૦ના રૂા. ૭૬૦૫૦ રહ્યા હતા. જ્યારે મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૯૦૮૨૦ વાળા રૂા. ૯૦૪૦૦ રહ્યા હતા. મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમ છેલ્લે ૯૩૧ ડોલર તથા પેલેડીયમ ૯૬૦ ડોલર રહ્યું હતું.