Adelaide,તા.10
શું ઓસ્ટ્રેલિયન ટીમને બોર્ડર-ગાવસ્કર ચાલી રહેલી શ્રેણીમાં ભારત તરફથી નવો વિલન મળ્યો છે ? એડિલેડ ટેસ્ટ દરમિયાન ટ્રેવિસ હેડને આઉટ કર્યા બાદ આક્રમક ઉજવણી કરવા બદલ આઇસીસીએ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને દંડ ફટકાર્યા બાદ આ પ્રશ્ન ઊભો થયો છે.
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ ક્લાર્કે સિરાજને આ સિરીઝનો ‘વિલન’ કહ્યો છે. ક્લાર્કે કહ્યું, ’દરેક શ્રેણીમાં વિલનની જરૂર હોય છે. તે વિલન આ સિરિઝ માટે સિરાજ છે. બ્રિસ્બેનમાં આવનારી સિરીઝમાં તે શાનદાર રહેશે, જ્યાં હેડ બેટિંગ કરવા ઉતરશે અને સિરાજ બોલિંગ કરશે.
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે સિરાજનો બચાવ કર્યો છે. હેઝલવુડે સિરાજને એક સારો વ્યક્તિ ગણાવ્યો અને કહ્યું કે, તે રમત પ્રત્યે ઉત્સાહી છે અને વિરાટ કોહલીની જેમ દર્શકોને ઉત્તેજિત કરવાની ક્ષમતા ધરાવે છે.
હેઝલવુડે કહ્યું,’તે એક સારાં ચરિત્રનો માણસ છે અને તેને આવી રીતે ક્યારેક જોવો સારો લાગે છે. હેઝલવુડે કહ્યું, ’મેં સિરાજ સાથે આરસીબીનો આનંદ માણ્યો હતો. તે ભારતીય બોલિંગને અમુક અંશે આગળ લઈ જાય છે. તેનું વ્યક્તિત્વ કંઈક અંશે વિરાટ જેવું છે. તે ખૂબ જ લાગણીશીલ છે અને દર્શકોને ઉત્સાહિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેણે આઇપીએલમાં શાનદાર બોલિંગ કરી છે.
ભૂતકાળના ગંભીર કિસ્સા
એડિલેડ ટેસ્ટમાં સિરાજ અને ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન ટ્રેવિસ હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પહેલીવાર નથી જયારે ખેલાડીઓ વચ્ચે વિવાદ થયો હોય આ પહેલાં પણ ઘણી વખત ખેલાડીઓ રમત દરમિયાન ઉગ્ર થયાં છે.
1.‘મંકી-ગેટ’ એપિસોડ
હરભજન સિંઘ (2007-08 સિડની ટેસ્ટ) પર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ દ્વારા તેમનાં પર જાતિવાદી શબ્દ ‘મંકી’ કહેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હરભજન પર ત્રણ મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે ભારતીય ટીમની અપીલ અને સુનાવણી બાદ તેને હટાવી દેવામાં આવ્યો હતો.
2. વિરાટ પર ટાર્ગેટ
વિરાટ કોહલી વર્ષ 2014-15માં બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં પ્રથમ વખત પૂર્ણ સમયનો ટેસ્ટ કેપ્ટન બન્યો હતો. તેની આક્રમક શૈલી માટે અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના સ્લેજિંગનો જવાબ આપવા બદલ તેને ‘ઘમંડી’ અને ‘ખરાબ’ જેવાં ઉપનામો આપવામાં આવ્યાં હતાં.
3. આઈસોલેશનનો સામનો
2020-21 ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમનાં પાંચ ખેલાડીઓ એક રેસ્ટોરન્ટમાં ગયાં હતાં, જેનાં કારણે તેમને ‘કોવિડ પ્રોટોકોલ’ના ઉલ્લંઘનના નામે આઈસોલેશનનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાએ તે સમયે ઘણી હેડલાઇન્સ બનાવી હતી.