Rajkot, તા.10
ગૃહ વિભાગે સોમવારે સાંજે 19 આઈપીએસ અને 6 એસપીએસ મળીને કુલ 25 ઓફિસરોની બદલી કરી છે. અમરેલી એસપી હિમકર સિંઘને રાજકોટ ગ્રામ્ય તરીકે બદલી અપાઈ છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ બદલી કરી જેને સરકારે પ્રતિક્ષા યાદીમાં મુકી દીધા હતા તેવા વિધિ ચૌધરી, સુધીર દેસાઈને 6 મહિના પછી પોસ્ટિંગ મળ્યું છે.
સીઆઇડી ક્રાઈમ અને રેલ્વેઝના એડી. ડીજીપી ડો.એસ.પાંડિયન રાજકુમારને સિનિયર આઈપીએસ ડો.સમશેરસિંધની જગ્યાએ અર્થાત એડી.ડીજીપી લો એન્ડ ઓર્ડર તરીકે નિયુક્તિ કરાઈ છે. જયારે ડો. સમશેરસિંઘને લાંચ રૂશ્વત બ્યૂરો (એસીબી)ના ઈન્ચાર્જ ડાયરેક્ટર તરીકે યથાવત રાખાયા છે.
બદલી ઓર્ડર મુજબ પાંડીયનના સ્થાને સીઆઈડી ક્રાઈમના એડી. ડીજીપી તરીકે અન્ય કોઈની નિયુક્તિ હજુ કરવામાં આવી નથી અને ડો.સમશેરસિંઘને રેગ્યુલર પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. આ બે મુદ્દે હાલ ચર્ચાઓ જાગી છે.
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશનથી આઈપીએસ પિયુષ પટેલના આવ્યા બાદ જાન્યુઆરીમાં આઈપીએસ ઓફિસરોમાં મોટાપાયે ફેરફાર થઈ શકે છે. બદલીમાં ચર્ચા આઈપીએસ અજય ચૌધરીની પણ થઈ રહી છે તેમને અમદાવાદના ખાસ કમિશનર પદેથી બદલી ડે. આઇજીપી મહિલા સેલ તરીકે જવાબદારી મળી છે.
ઉપરાંત તો તાજેતરમાં જ અન્ય સ્ટેટ કેડરમાંથી ગુજરાત કેડરમાં સમાવિષ્ટ હિંમાશુ વર્માને વેઈટિંગ ફોર પોસ્ટિંગ રખાયા છે. અમદાવાદમાં ડેપ્યુટી કમિશનર રહેલા શ્રીપાલ સેસમાને પણ પ્રતિક્ષાયાદીમાં મુકી દેવાયા છે. રાજકોટ ગ્રામ્યનાં એસપી અને હાલમાં જ નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડને અમદાવાદ ઝોન 2 એડી.સીપી તરીકે જવાબદારી મળી છે.