Surat,તા.10
ભાજપ માટે ગુજરાત અને તેમાં પણ સુરત અભેદ ગઢ છે આવા ગઢને ભાજપે પ્રયોગશાળા બનાવી છે. ભાજપ પણ ગુજરાતને રાજકીય પ્રયોગશાળા ગણે છે અને અહી જે પ્રયોગ કરે છે અને તેમાં જે સફળતા મળે છે તે પ્રયોગ દેશના અન્ય રાજ્યોમાં અજમાવવામાં આવે છે. પરંતુ આ વખતે સંગઠનને વધુ મજબુત બનાવવા માટે સુરતને પ્રયોગશાળા બનાવવા જઈ રહી છે. ભાજપના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં સુરત શહેરને ભાજપ એક નહી બે પ્રમુખ આપે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સુરત શહેરમાં સંગઠન માટે વિભાજન કરી બે પ્રમુખ માટે થતી વિચારણા ચાલી રહી છે સંગઠન બેઠકમાં આ અંગે એકાદ બે વખત ચર્ચા કર્યા બાદ આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું છે.
સુરત ભાજપમાં હાલમાં સંગઠન માટે પહેલા પ્રાથમિક સભ્ય અને ત્યારબાદ સક્રિય સભ્ય માટેની કામગીરી અસરકારક રીતે કરવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં વોર્ડ પ્રમુખ માટે પણ ફોર્મ ભરાવવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાજપે વોર્ડ પ્રમુખ માટે વય મર્યાદા નક્કી કરી હોવા છતાં પણ 30 વોર્ડ માટે 244 જેટલા દાવેદારો બહાર આવ્યા હતા. ત્યારબાદ બુથ કમિટી માટે કવાયત શરુ કરી હતી પરંતુ બુથ અને વોર્ડ સિમાંકન નવેસરથી કરવા માટેની તૈયારી થતાં આ પ્રક્રિયા હાલ મુલતવી રાખવામાં આવી છે.
જોકે, 1990માં કોંગ્રેસમાં થયેલા બળવા બાદ સુરત ભાજપનો એક એવો મજબુત ગઢ બની ગયો છે કે જેમાં પાટીદાર અનામત આંદોલન પણ કાંકરા ખેરવી શક્યું નથી. જેના કારણે ભાજપે સુરતને પ્રયોગાશાળા માટે પસંદ કરી હોય તેવું લાગે છે. સુરત ભાજપમાં સંગઠન માટે નવી પેર્ટન માટે વિચારણા સુરત શહેરને સંગઠનના બે ભાગમાં વહેંચી નવો પ્રયોગ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી સંગઠનની બેઠક મળી રહી છે તેમાં સુરત મોટું શહેર હોય સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સુરતને બે ભાગમાં વહેંચી દેવામાં આવે તો સંગઠનની કામગીરી વધુ સરળ બને તેવી ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા બાદ હાલમાં સંગઠન માટે જે પ્રક્રિયા થઈ રહી છે તેમાં સુરત શહેરને બે શહેર પ્રમુખ મળે તેવી અટકળો વહેતી થઈ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પોતાના એક દિવસીય ગુજરાત પ્રવાસમાં કહ્યું હતું, ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જે સફળતા મળી ત્યાર બાદ હવે વધુ પ્રયોગ કરવા માટે વિચારણા થઈ રહી છે.
હાલમાં સુરત શહેર સંગઠન માટે નવા પ્રમુખ માટે તૈયારી થઈ રહી છે. તેમાં હવે જો પ્રયોગ કરી શહેરને સંગઠનમાં બે ભાગમાં વહેંચી દેવામાં આવે તો સુરત શહેરને ભાજપના બે પ્રમુખ મળે તેવી શક્યતા નકારી શકાતી નથી. જોકે, આ ડિઝાઇન માટે દિલ્હીથી કોઈ સુચના આવી નથી, પરંતુ થોડા સમય પહેલાં સંગઠનની બેઠકમાં આ ચર્ચા થઈ હોવાથી આગામી દિવસોમાં સુરતને સંગઠનના બે ભાગમાં વહેંચી બે પ્રમુખ મળે તેવી અટકળો વધી રહી છે.
સુરત કરતાં મુંબઈ મોટું છતાં એક જ પ્રમુખ : સુરતમાં બે પ્રમુખ થાય તો રાજકારણમાં મૂળ સુરતીઓનું અસ્તિત્વ જોખમમાં
ગુજરાતમાં ભાજપને જે પ્રયોગ કરે છે તેમા સફળતા મળી રહી છે તેના કારણે સુરતમાં આગામી દિવસોમાં સંગઠન માટે સુરતને બે ભાગમાં વહેંચીને બે પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે. જોકે, છેલ્લી પાલિકાની બે ચૂંટણીથી ભાજપની નૈયા પાર લગાવનારા મૂળ સુરતીઓ હાંસિયામાં ધકેલાઇ ગયા છે. તેમાં પણ જો બે પ્રમુખની ફોર્મ્યુલા આવે તો સુરત ભાજપના રાજકારણમાં મૂળ સુરતીઓનું રાજકારણ જોખમાઈ તેવી શક્યતા ભાજપના જ નેતાઓ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.
આખા ભારતમાં ભાજપની બે સીટ હતી ત્યારથી મૂળ સુરતીઓ ભાજપ સાથે છે તેમાં પણ 1990માં કોંગ્રેસનો બળવો અને રામ જન્મભૂમિ આંદોલન બાદ મૂળ સુરતીઓ અને કોટ વિસ્તાર હંમેશા ભાજપની પડખે રહ્યો છે. સુરતમાં પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં કોંગ્રેસ-આપને બેઠક મળી હતી.
જ્યારે મૂળ સુરતીઓએ ભાજપની ડૂબતી નૈયા પાર કરીને તમામ બેઠકો ભાજપને આપી હતી. જોકે, મૂળ સુરતીઓ ભાજપની પડખે હંમેશા રહ્યાં હોવા છતાં પાલિકાના પદાધિકારીઓ અને સંગઠનમાં તમામને સાચવવાની ચાલતી ફોર્મ્યુલાના કારણે મુળ સુરતીઓ હાંસિયામાં ધકેલાઇ ગયા છે. તેમાં પણ હાલ ભાજપમાં ચાલતી જુથબંધીમાં કોટ વિસ્તારના રાજકારણીઓ ધુંધળા બની રહ્યાં છે.
ભાજપના ગઢ એવા સુરતમાં મૂળ સુરતીઓ બાજુ મુકાય છે અને સૌરાષ્ટ્રીયન તથા પરપ્રાંતિયને વધુ મહત્વ મળી રહ્યું છે તે જગજાહેર છે. હવે આગામી દિવસોમાં બે પ્રમુખની ફોમ્યુલા આવે તેમાં પણ સુરતીઓનો એકડો કાઢી નાખવા માટેનો પ્રયોગ હોય તેવું ભાજપના કેટલાક નેતાઓ માની રહ્યાં છે. ભાજપમાં સૌરાષ્ટ્ર-પરપ્રાંતિઓને છેલ્લા પાંચ વર્ષમાં વધેલા પ્રભુત્વને કારણે સુરતીઓનો ભાજપના રાજકારણમાં એકડો નીકળી ગયો છે. મોટે ભાગે જીહજુરી કરતા સુરતીઓને જ કોઈ પદ મળે છે તેવી ચર્ચા ભાજપમાં જ ચાલી રહી છે.
હવે આ બે પ્રમુખ આવે તો એક પ્રમુખ સૌરાષ્ટ્રીયનને ફાળે અને બીજા પ્રમુખ પરપ્રાંતિયને મળે તેવી ભીતિ મૂળ સુરતી નેતાઓને છે. તેથી તેઓ જાહેરમાં નહી પરંતુ અંદરખાને બળાપો કાઢે છે કે સુરત કરતા મુંબઈ મોટું શહેર છે તો તેમાં એક પ્રમુખ અને સુરતમાં બે પ્રમુખની ફોમ્યુલા કેમ વિચારવામાં આવે છે. જો આ પ્રયોગ થાય તો વર્ષોથી ભાજપની પડખે રહેતા મૂળ સુરતી નેતાઓનું રાજકારણ પુરુ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.