Surat,તા.10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બરથી આયુષ્માન ભારત વય વંદના યોજનાનો પ્રારંભ કર્યો હતો. જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માત્ર આધાર કાર્ડ વેરિફિકેશન દ્વારા આયુષ્યમાન કાર્ડ મેળે તે માટે સુરત પાલિકા કામગીરી કરી રહી છે અને પાલિકાની આ કામગીરી રાજ્યમાં અગ્રેસર જોવા મળી રહી છે. વધુમાં વધુ વડીલો આ યોજનાનો લાભ લે તે માટે સુરત પાલિકા હવે રહેણાંક સોસાયટીમાં જઈને કેમ્પ કરી રહી છે આ ઉપરાંત પથારીવશ અને કેમ્પ સુધી નહી પહોંચી શકનારા વડીલો માટે આઉટરીચ વર્કર ઘરે જઈને પ્રક્રિયા કરી રહી છે.
સુરત પાલિકાના બજેટમાં શહેરના સિનિયર સીટીઝનને મેડિકલ સારવાર મળી રહે તે માટે વડીલ વંદના યોજના જાહેર કરવામાં આવી હતી. સુરત શહેરના એક લાખથી વધુ સીનીયર સીટીઝનને આ યોજનામાં જોડવા પાલિકાએ પ્રક્રિયા હાથ ધરી છે. આ કામગીરીનો રિવ્યુ મ્યુનિ. કમિશનર કરી રહ્યાં છે. આ રિવ્યુમાં કામગીરી તો સારી છે પરંતુ વધુ સારી કામગીરી થાય અને સુરત પાલિકા માટે 2.55 લાખનો ટાર્ગેટ 100 ટકા પૂરો થાય તે માટે કામગીરી કરવા સુચના આપી છે. સુરત પાલિકાએ આજ સુધીમાં 1.66 લાખ વડીલોનું એનરોલ્મેન્ટ કયું છે.
હાલમાં સુરત પાલિકાનો સ્ટાફ સોસાયટીઓમાં જઈને સોસાયટીના પ્રમુખ અને સ્તાનિક અગ્રણીઓ સાથે મળીને કેમ્પ કરી રહ્યો છે તેમાં સારી સફળતા મળી રહી છે. જોકે, સુરતમાં હજી પણ કેટલાક વડીલો એવા છે કે જેઓ પથારીવશ અને કેમ્પ સુધી નહી પહોંચી શકનારા વડીલો માટે આઉટરીચ વર્કર ઘરે જઈને પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
મ્યુનિ કમિશ્નરે સુચના આપી છે કે, 15 ડિસેમ્બર બાદ તમામ આઉટરીચ વર્કર (આશા, સર્વેલન્સ વર્કર અને એ.એન.એમ) દ્વારા 15 દિવસનો ટીપીએમ બનાવી હાઉસ ટુ હાઉસ એક્ટીવીટી કરી તમામ વડીલોનું એનરોલ્મેન્ટ કરવામાં આવે.