Jamnagar,તા.10
જામનગર નજીક દરેડ મસિતિયા રોડ પર રહેતા બ્રાસપાર્ટના એક ધંધાર્થીના રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડયો હતો, અને 24 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરના પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા અને દરેડ મસીતિયા ગામ તરફ જવાના માર્ગે પાણીના ટાંકા પાસે રહેતા રસિક બચુભાઈ ચાંગાણી નામના શખ્સ દ્વારા પોતાના મકાનમાં ઇંગલિશ દારૂ ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડયો હતો.. જે દરોડા દરમિયાન ઉપરોક્ત મકાનમાંથી 24 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે 16,400 ની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લીધો છે, અને આરોપી રસિક બચુભાઈની અટકાયત કરી લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.