New Delhi, તા.10
શેરબજારમાં ટુંકાગાળાનું મંદીનું કરેકશન ખત્મ થવાની સાથે જ પ્રાયમરી માર્કેટમાં નવો ધબકાર આવી ગયો છે અને ઇસ્યુ ભરવા ઇન્વેસ્ટરોની લાઇનો લાગવા માંડી છે. ચાલુ વર્ષના કુલ આઇપીઓની સંખ્યા 300ને વટાવી જવાના નિર્દેશ વચ્ચે ત્રણ જ દિવસમાં 9 આઇપીઓ ખુલી રહ્યા છે.
પ્રાઇમરી માર્કેટમાં ડિસેમ્બર મહિનામાં ઘણા આઇ.પી.ઓ આવી રહ્યા છે. આવનારા દિવસોમાં જ એક ડઝન થી વધુ આઈ.પી.ઓ પાઇપલાઇનમાં છે.હજારો કરોડના આઇ.પી.ઓ બજારમાં આવ્યા છે. અનેક કંપનીઓ મૂડી એકઠી કરવા બજારમાં આવી છે.
જાન્યુઆરી 2024 થી લઈને અત્યાર સુધીમાં 77 મેઈન બોર્ડના આઈ.પી.ઓ અને 231 એસ.એમ.ઇ આઇ.પી.ઓ બજારમાં આવ્યા છે. આમ ઓવર ઓલ 300થી વધુ આઈ.પી.ઓ કેલેન્ડર વર્ષ 2024 માં આવી ચૂક્યા છે. વર્ષાન્તે કદાચ આ આંકડો 325 આસપાસ રહેશે એટલે કે એવરેજ દરરોજનો એક આઇ.પી.ઓ બજારમાં આવી રહ્યો છે.
77 મેઈન બોર્ડના આઇ.પી.ઓ.માંથી લગભગ 60થી વધુ કંપનીઓના ભાવોમાં પ્રીમિયમ ચાલી રહ્યું છે.જ્યારે એસ.એમ.ઈ.માં 231 કંપનીઓ માંથી 200થી વધુ કંપનીના ભાવોમાં પ્રીમિયમ ચાલી રહ્યા છે. જેમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે તેમા પણ ખાસ કોઈ મોટી નુકસાની જોવા મળતી નથી.
સૌથી મોટી વાત એ છે કે હાલમાં શેર બજારમાં મહિલાઓને પણ રસ વધતો જતો હોય તેવું લાગે છે અને મહિલાઓની પણ શેરના ટ્રેડિંગમાં ભાગીદારી વધતી જાય છે. નાના બાળકોના નામે પણ ટ્રેડિંગ એકાઉન્ટ ખુલી રહ્યા છે અને એમાં પણ આઈ.પી.ઓ. માં શેરો મેળવવા અરજીઓ કરવાનું ચલણ દિવસે દિવસે વધતું જાય છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના મતે પ્રાઇમરી માર્કેટમાં નવા નવા અનેક આઇ.પી.ઓ આવી રહ્યા છે. વિશેષ વાત એ છે કે એ મહિલાઓ પણ શેર બજારમાં રસ દાખવી રહી છે.આઇ.પી.ઓમા અરજી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે.અનેક મહિલાઓ શેર બજારમાં ટ્રેડિંગ કરવા આગળ આવી રહી છે. ઓવર ઓલ મહિલાઓની ભાગીદારી શેરબજારમાં વધતી જોવા મળી રહી છે.
2024 કરતાં પણ 2025માં વધારે કંપનીઓ પ્રાઇમરી માર્કેટમાં નાણા એકઠા કરવા આવશે અને 500 થી વધુ કંપનીઓ 2025 માં લિસ્ટ થવાની પૂરેપૂરી શક્યતા બજારમાં જોવાય રહી છે. ત્રણથી પાંચ કરોડ નવા ડિમેટ એકાઉન્ટ 2025માં ખુલવાની પૂરેપૂરી શક્યતા છે. 2025 ના અંત સુધીમાં 25 કરોડથી પણ વધુ ડિમેટ ધારકો ભારતમાં હોવાની શક્યતા દર્શાવાઇ રહી છે અને પ્રાઇમરી અને સેક્ધડરીમાં તેજી જળવાયેલી રહેશે.