Rajkot,તા.11
રાજયમાં હવે શિયાળો બરોબરનો જામી ગયો છે અને સર્વત્ર શિતલહેરો સાથે તાપમાન સતત ગગડી રહ્યું હોય લોકો તિવ્ર ઠંડીની લપેટમાં આવી ગયા છે. દરમ્યાન નલિયા બાદ આજે રાજકોટ ખાતે ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી, સિંગલ ડિઝીટમાં નોંધાઈ હતી. આજે સવારે રાજકોટનું તાપમાન 9.7 ડીગ્રી થઈ જતા નગરજનો ઠુંઠવાયા હતા.
ઉપરાંત 5 ડીગ્રી સાથે નલીયા આજે પણ રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. અત્રે 5 ડીગ્રી ઠંડીના પગલે જનજીવન ઉપર વિપરીત અસર પડી હતી. તેમજ આજે 5 ડીગ્રી સાથે ગીરનાર પણ હિમ પર્વત બની ગયો હતો. અને જુનાગઢ શહેરમાં 10.2 ડીગ્રી સાથે તીવ્ર ઠંડી અનુભવાઈ હતી.
જયારે આજે અમદાવાદ ખાતે 13.4, અમરેલીમાં 11.8, વડોદરામાં 12, ભાવનગરમાં 13.8, ભુજમાં 11, દમણમાં 17, ડીસામાં 10.6, દિવ-દ્વારકામાં 15, કંડલામાં 14.9, ઓખામાં 20.8, પોરબંદરમાં 13.8, સુરતમાં 15.8, અને વેરાવળ ખાતે 16.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ સોરઠમાં લાંબા સમયની રાહ જોવા બાદ ડીસેમ્બરના બીજા અઠવાડીયામાં શિયાળે તેનો અસલી રંગ દેખાડવાનું શરૂ કર્યુ છે. ગઈકાલથી હીમ પવન સાથે ઠંડીનો પારો ગગડીને નીચે ઉતરી જવા પામ્યો છે તેમાં પણ હિમાલયના પરદાદા ગીરનાર રેવતી પર્વત ઉપર તાપમાનનો પારો 5.2 ડીગ્રી નીચે ઉતરી જતા પ્રવાસીઓ સહેલાણીઓ ઠુઠવાઈ જવા પામ્યા છે. કુલ 5 ડીગ્રી નીચે પારો આવી જતા શિયાળાનો અહેસાસ સોરઠ જીલ્લામાં થઈ રહ્યો છે.
સિઝનનો સૌથી ઠંડો દિવસ રહેવા પામ્યો છે. આખો દિવસ ઠંડીના માહોલ વચ્ચે લોકો સ્વેટર, મફલર, ટોપી સાલ સાથે જોવા મળી રહ્યા છે. સમી સાંજમાં રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે. જુનાગઢ શહેરમાં 10.2 ડીગ્રીએ પારો નીચે આવી જતા ઠેર ઠેર તાપણા કરી ઠંડી ઉડાડવા લોકો પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે.
પવનની ગતિ વધીને 7.8 કી.મી.ની ઝડપે પ્રતિ કાક ફેકાઈ રહ્યો છે. ભેજ ઘટીને 27 ટકા થઈ જવા પામ્યો છે. રવિપાકને ઠંડીના કારણે સારી અસર જોવા મળી રહી છે.
અમરેલી શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોલ્ડવેવની અસર હોય ભારે પવન સાથે કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ત્યારે આજે વ્હેલી સવારે અમરેલી 11.8 ડિગ્રી અને ધારીમાં 12ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે આજે સવારે શહેરના મુખ્ય માર્ગો મોડે સુધી સૂમસામ જોવા મળતા હતા.
ત્યારે સવારે સ્કૂલે જતાં બાળકો પણ રંગબેરંગી ગરમ કપડામાં ઢબુરાઈને સ્કૂલેજતાં જોવા મળતા હતા. જયારે મોર્નિંગવોકમાં નીકળતા લોકો પણ ઠંડીના કારણે ઓછા જોવા મળી રહયા હતા.આજે દિવસભર હવામાન ઠંડુગાર રહેતા અને રાત ઢળતા જ ઠંડી વધી જતાં શહેરના વેપારીઓ પણ રાત્રે વહેલાસર ધંધા રોજગાર આટોપી અને ઘર તરફ નીકળી ગયા હતા.
ત્યારે આજે અમરેલી ખાતે મહત્તમ તાપમાન 26.4, લઘુત્તમ તાપમાન 11.8, ભેજનું પ્રમાણ 60 ટકા અને પવનની ગતિ 7.1 કિ.મી. નોંધાયેલ છે. જયારે શેત્રુંજી નદીના કાંઠે વસેલા ધારી ગામે પણ આજે લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી નોંધાતા સૌ કોઈએ શિયાળાની ઋતુનો અનુભવ કર્યો હતો. જામનગરમાં આજે પણ બર્ફીલા પવનથી લોકો રીતસર ધ્રુજી ઉઠ્યા હતાં.
ઠંડીનો પારો 14.2 ડિગ્રી રહ્યો હતો.પવનની ગતિ 8.1 કિમિ રહેતા સુસવાટા મારા પવન ફૂંકાયો હતો.દિવસભર શીતલહેર યથાવત રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં ઢબુરાયા હતાં. સવારે અને રાત્રીના માર્ગો પર કુદરતી સંચારબંધી જોવા મળી હતી.
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર જામનગરમાં પણ વર્તાઈ રહી છે. જેના કારણે તાપમાનનો પારો નીચે શરકતા ફરી એક વખત ઠંડીમાં વધારો થયો છે. હાલારમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જામનગરમાં આજે સવારે 8 વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત ઘટીને લઘુતમ તાપમાન 14.2 અને અડધાડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 25.5 ડીગ્રી નોંધાયું હતું.
પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 8.1 કિમી રહેવા પામી હતી.આ સાથે તાપમાન ઘટતા તથા પવનની ગતિમાં થયેલા પગલે શહેર આખું ઠંડુગાર થઈ ગયું હતું. નગરસીમ, અને ગ્રામ્ય વિસ્તારો તથા ધોરીમાર્ગો પર તીવ્ર ઠંડી અનુભવાતા લોકો ધ્રુજી ઊઠ્યા હતાં. ઠંડીના કારણે લોકોએ રાત્રે કારણ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છ ટકા ઘટીને 48 ટકા રહ્યું હતું.
ભાવનગરમાં પણ આજે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ટાઢુંબોર બની ગયું હતું. સુસવાટા મારતા કાતિલ પવનને કારણે લોકો ઠુંઠવાયા હતા.ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 25.2 ડીગ્રી નોંધાયું હતું .જ્યારે લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ડિગ્રી 48% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 20 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.