Rajkot,તા.11
મનપા સ્ટે. કમિટિની બેઠક પૂર્વે આજે ભાજપ સંકલનની બેઠક યોજાઇ હતી. તે બાદ નવા કમિશ્નર તૂષાર સુમેરા સાથે ચૂંટાયેલી શાસક પક્ષની બોડીની મીટીંગ યોજાઇ હતી. ભાજપ પ્રમુખ અને પદાધિકારીઓની હાજરીમાં કમિશ્નરે રાજકોટના વિકાસ માટે ટીમ વર્કથી કામ કરવા કોલ આપ્યો હતો. તો અરજદારો તથા નાગરિકો તંત્રને સરળતાથી ફરિયાદ કરી શકે અને સમયસર ઉકેલ સાથે કોર્પોરેટરો ફોલોઅપ લઇ શકે તે માટે 18 વોર્ડની ખાસ એપ બનાવવા પણ જાહેરાત કરી છે.
ભરૂચમાં જનતા માટે ડેશ બોર્ડ અને એપનો સફળ પ્રયોગ તુષાર સુમેરા કરીને રાજકોટ આવ્યા છે. આ સિસ્ટમ રાજકોટમાં લાગુ કરી લોકોને અપાતા સુવિધાનું સ્તર વધુ ઉંચુ લાવવા અને લોકોની ફરિયાદ વહેલામાં વહેલી ઉકેલાય તેવો કમિશ્નરનો અભિગમ છે.
શહેરના તમામ 18 વોર્ડના કોર્પોરેટરોને એક નવી મોબાઇલ એપથી જોડવામાં આવશે. કોર્પોરેટરો અને જે તે વિભાગની સમિતિના ચેરમેનો પણ આ ફરિયાદ અને રજૂઆતોનું સ્ટેટસ ચકાસી શકશે. આ રીતે વિભાગની કામગીરી અને લોકોના પ્રશ્ન પર ટેકનોલોજી મારફત કમિશ્નરનું સીધુ સુપરવિઝન રહેશે. આ નવી વ્યવસ્થા પર કામ પણ શરુ થઇ ચૂક્યું છે.
ભાજપ સંકલનની બેઠક બાદ નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.
બેઠક દરમિયાન કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. આ પ્રકારની વ્યવસ્થા ભરૂચમાં કાર્યરત છે. જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે. દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે.
આજની બેઠકમાં કમિશનર દ્વારા અનેક મુદ્ે પદાધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ સંકલનમાં તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શકે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા અમલમાં મુકવાની વાત તેમણે કરી છે. મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલનમાં રહીને પ્રશ્નો અને રજૂઆતોનું ફોલોઅપ લઇ શકાશે.
મ્યુનિ. કમિશ્નર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાલ શુક્રવારના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વ્યસ્ત બન્યા છે. જુદા-જુદા વિભાગોની કામગીરી અંગે કમિશ્નરે રીપોર્ટ લેવાનું શરુ કર્યું છે. આગામી સપ્તાહમાં નવા કમિશ્નરની ઘણી નવી કાર્ય પદ્ધતિના અમલના ફેરફાર પણ દેખાય તેવા નિર્દેશ વહીવટી પાંખમાંથી મળ્યા છે.
સ્ટે.કમિટિની ‘ઠંડી’ મીટીંગમાં પ્રથમ વખત વિકાસકામો અદ્રશ્ય: દરખાસ્તો મંજૂર
મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટિની ‘ઠંડી’ મીટીંગ આજે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળી હતી. લાંબા સમય બાદ સ્ટે. કમિટિની મીટીંગ એકટ મુજબ અનિવાર્યપણે માસિક ધોરણે બોલાવવાની ફરજ પડી હતી. બાકી એજન્ડા પર લગભગ કોઇ મહત્વની દરખાસ્તો ન હતી. કર્મચારીઓને આર્થિક તબીબી સહાય પેટે 7.81 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. મેયર એવોર્ડ માટેનું બાકીનું રુા.16 હજારનો ખર્ચ મંજુર કરાયું હતું.
જાહેર વિકાસ કામની કોઇ દરખાસ્તો છેલ્લા મહિનામાં આવી ન હોય, હવે આવતી મીટીંગમાં મહત્વના કામોની દરખાસ્તો આવશે તેમ માનવામાં આવે છે. ઉપરની તસ્વીરોમાં ઔપચારિક મીટીંગમાં હાજર પદાધિકારીઓ અને અધિકારીઓ નજરે પડે છે.