Punjab ,તા.૧૧
પંજાબમાં ૨૧ ડિસેમ્બરે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. લુધિયાણાની ૯૫ બેઠકો માટે જોરદાર સ્પર્ધાની અપેક્ષા છે. ભાજપ પહેલીવાર એકલા હાથે ચૂંટણી લડશે. તેમને શહેરી હિંદુ મતદારોનું સમર્થન મળવાની અપેક્ષા છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળ પણ ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવશે. અગાઉની મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યકાળ માર્ચ ૨૦૨૩માં પૂરો થવાનો હતો, પરંતુ ચૂંટણીમાં વિલંબ થયો હતો. આ વિલંબ પણ ચૂંટણીનો મહત્વનો મુદ્દો બની ગયો છે.
૨૦૧૮ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે ૯૫માંથી ૬૨ બેઠકો જીતીને મોટી જીત હાંસલ કરી હતી. ત્યારે અકાલી દળ અને ભાજપ ગઠબંધનમાં હતા અને તેમને કુલ ૨૧ બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટીએ લોક ઈન્સાફ પાર્ટી સાથે મળીને ૮ બેઠકો જીતી હતી, જેમાંથી છછઁને માત્ર એક જ બેઠક મળી હતી. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પંજાબમાં આપ સત્તામાં છે અને વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવે છે. ૨૦૧૮માં કોંગ્રેસના બલકાર સિંહ સંધુ લુધિયાણાના મેયર તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૨માં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અકાલી-ભાજપ ગઠબંધનની બહુમતી હતી.
૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામો પરથી ભાજપને આશા છે કે તે નગરપાલિકાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે. લુધિયાણા લોકસભા બેઠક કોંગ્રેસના અમરિન્દર સિંહ રાજા વારિંગે જીતી હોવા છતાં, પાંચ શહેરી વિધાનસભા મતવિસ્તારો (ઉત્તર, પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ અને મધ્ય)માં ભાજપના રવનીત સિંહ બિટ્ટુ આગળ હતા. કોંગ્રેસે આતમ નગર અને ગિલ બેઠકો જીતી હતી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં દાખા અને જગરોંમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણીમાં છછઁએ લુધિયાણામાં કબજો જમાવ્યો હતો. તમામ બેઠકો પર ધારાસભ્ય હોવા છતાં તે કોઈપણ વિધાનસભા મતવિસ્તારમાં આગળ રહી શકી નથી.
આપનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યા રામમંદિર કાર્ડના કારણે શહેરી વિસ્તારોમાં ભાજપની જીત થઈ છે. ભાજપના નેતા અને પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ પરવીન બંસલે કહ્યું કે અમે તમામ ૯૫ બેઠકો પર ચૂંટણી લડીશું. મેયર આપણા જ હશે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અમે ૬૬ શહેરી વોર્ડ જીત્યા છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી બિટ્ટુએ કહ્યું કે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે સંસદીય ચૂંટણીમાં શહેરી વોર્ડમાં મોટા માર્જિનથી જીત મેળવી છે. જો ભાજપ પંજાબમાં મેયર તરીકે ચૂંટાશે તો પીએમ મોદી પંજાબના શહેરોના વિકાસ માટે હજારો કરોડ રૂપિયા ફાળવશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પીપીસીસી પ્રચાર સમિતિના અધ્યક્ષ રાણા કેપી સિંહે દાવો કર્યો કે લોકોનો આમ આદમી પાર્ટીની સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તેમણે કહ્યું કે લોકોનો મોહભંગ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીમાં કોઈ ભરોસો બાકી રહ્યો નથી. મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ક્લીન સ્વીપ કરશે. ચૂંટણીમાં વિલંબ દર્શાવે છે કે આમ આદમી પાર્ટીને પોતાનામાં વિશ્વાસ નથી.
ત્રણ વખતના કાઉન્સિલર અને વોર્ડ ૬૦માંથી કોંગ્રેસની ટિકિટના દાવેદાર મમતા આશુએ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે લગભગ બે વર્ષથી ત્યાં કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસ નથી અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં વિલંબ કર્યો. તેમના ધારાસભ્યોએ સ્વચ્છતા જેવા પાયાના કામની ખાતરી કરવી જોઈતી હતી. લોકોએ મૂલ્યાંકન કરવું જોઈએ કે શું પંજાબે ખરેખર કોઈ ’પરિવર્તન’ જોયું છે.
આમ આદમી પાર્ટીના લુધિયાણા પશ્ચિમના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીએ દલીલ કરી હતી કે નાગરિક ચૂંટણી રાષ્ટ્રીય નીતિઓને બદલે સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગોગી, જેમની પત્ની ડો. સુખચૈન બસ્સી વોર્ડ ૬૧માંથી આમ આદમી પાર્ટીની ટિકિટ માંગી રહી છે, તેણે કહ્યું કે ભાજપે લોકસભા ચૂંટણીમાં રામ મંદિર કાર્ડ રમ્યું અને મતદારો ધાર્મિક લાગણીઓથી પ્રભાવિત થયા. પરંતુ મોદી રસ્તા કે ગટરને ઠીક કરવાના નથી. માત્ર સત્તાધારી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી શકે છે.