Ahmedabad,,તા.૧૧
શહેરમાં વધી રહેલ ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની સંખ્યા પોલીસ માટે જાણે કે એક પડકાર બની ગઇ છે. જો કે ટ્રાફિકના નિયમનનો ભંગ કરનાર અને બેફામ ડ્રાઇવીંગ કરીને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મુકનાર વાહનચાલકો સામે પોલીસએ હવે લાલ આંખ કરી છે. જે વાહન ચાલક અકસ્માત સર્જે છે. અથવા તો વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરતો હોવાનું જાણવા મળે છે તો પોલીસ દ્વારા તેના લાયસન્સ રદ્દ કરવા સુધીની પણ કાર્યવાહી કરાવમાં આવી રહી છે.
પોલીસે રાજ્યની અલગ અલગ આર ટી ઓમાં ૭૭૦૦ જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટેની જાણ કરી છે. અકસ્માત સર્જીને નિર્દોષ વ્યક્તિઓના જીવ લેનાર વાહન ચાલકનું લાયસન્સ રદ્દ કરવામાં આવે છે, પરંતુ હવે જે લોકો હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવે છે અને તેને ત્રણ મેમો ઇશ્યુ કરવામાં આવ્યા, વારંવાર રોંગ સાઇડમાં વાહન ચલાવતા પકડાય તો તેવા વાહનચાલકોના લાયસન્સ પણ રદ્દ કરવામાં આવી રહ્યાં છે. જો કે સ્પીડમાં વાહન હંકાવીને લોકોના જીવને જોખમમાં મુકનાર વાહનચાલકોને પણ પાઠ ભણાવવાનું પોલીસએ શરૂ કર્યું છે. ચાલુ વર્ષે પોલીસ દ્વારા સ્પીડમાં વાહન ચલાવતા વાહનચાલકોને વધુમાં વધુ મેમો આપવામાં આવી રહ્યાં છે. ગત વર્ષે સ્પીડમાં વાહનચલાવવા બદલ પોલીસએ ૪૬ હજાર વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી.
જો કે ચાલુ વર્ષે તે આંકડો બમણો થઇ ગયો છે. એટલે કે ચાલુ વર્ષે પોલીસએ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ૧ લાખ જેટલા વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. આવા વાહનચાલકોને પકડવા માટે ટ્રાફિક વિભાગ પાસે ૩૪ જેટલી સ્પીડ ગન છે. જેમાંથી ૫ સ્પીડગન ટ્રાફિકના ઇન્ટરસેપ્ટ વાહનમાં ઇનબીલ્ટ છે. જો કે પોલીસના આ પ્રયત્નથી ક્યાંકને ક્યાંક અકસ્માતોની સંખ્યામાં ચોક્કસથી ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ૪૬૫ જેટલા ફેટલના બનાવો હતાં. જ્યારે ચાલુ વર્ષે આ બનાવની સંખ્યા જોતા તે ૩૪૮ જેટલી છે. જેમાં ૧૧૭ જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
જ્યારે સીરીયસ અકસ્માતની સંખ્યા જોઇએ તો ગત વર્ષે ૫૯૮ જેટલા બનાવો હતા. જ્યારે ચાલુ વર્ષે ૬૪૨ જેટલા બનાવો બન્યા છે. અને માઇનોર અકસ્માતની સંખ્યામાં ચાલુ વર્ષે ૨૯ જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે હિટ એન્ડ રન કેસમાં પણ ૨૦૨૩ના વર્ષમાં ૪૦ હિટ એન્ડ રનની ઘટના હતી જેમાં ૬૬ લોકોના મોત નિપજ્યા હતા અને ૭૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.જ્યારે ૨૦૨૪માં નવેમ્બરના માસ સુધી ૧૨૧હિટ એન્ડ રન ની ઘટના છે. જેમાં ૫૩ લોકોના મોત અને ૬૮ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના કડક વલણથી અકસ્માત કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ટ્રાફિક વિભાગના જેસીપી એન.એન.ચૌધરીએ જણાવ્યું હતુ કે તાજેતરમાં ટ્રાફિક વિભાગ દ્વારા એ આઇ સીસ્ટમથી પણ મેમો આપવાની શરૂઆત કરી છે. એટલે કે ટ્રાફિક નિયમનમાં સતત સુધારો આવે તે માટે ટ્રાફિક વિભાગ દિવસેને દિવસે ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કરે છે. જેના કારણે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરે તો લાયસન્સ રદ પણ થઈ જશે.