કર્મચારીએ મિત્ર સાથે મળી હાથ ફેરો કર્યો હોવાનું સીસીટીવીમાં ખુલતા થોરાળા પોલીસે ધરપકડ કરી
Rajkot,તા.11
શહેરના આજી વસાહતમાં આવેલા કારખાનામાંથી રૂ. 15 લાખ ઉઠાવી જનાર કર્મચારી સહીતની બેલડી ફરાર થઇ ગયાની ફરિયાદ થોરાળા પોલીસના ચોપડે નોંધાઈ હતી. મામલામાં પોલીસે તાત્કાલિક કર્મચારી નથુ ભરવાડની ધરપકડ કરી છે જયારે અન્ય એક શખ્સને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે ચોરીને અંજામ આપી મુંબઈ સહિતના સ્થળો પર ફરવા જતાં રહ્યાનું ગઠીયાએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત આપી હતી.
આજી વસાહતમાં ઋષિ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામે ડીઝલ એન્જિન પંપ બનાવી એક્સપોર્ટ કરતાં વેપારીના કારખાનામાંથી તેના કર્મચારી સહિતની બેલડીએ પોણા બે માસ પહેલાં રૂ.15 લાખની ચોરી કરી નાસી ગયા બાદ પરત નહીં આવતા વેપારીની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી કર્મચારી સહિતની બેલડીને સકંજામાં લીધા હતા. પૂછતાછમાં ચોરી કરી તેઓ સોમનાથ, મુંબઇ, યુપી સહિતના શહેરોમાં ફ્લાઇટમાં મુસાફરી કરી હતી અને બાકીની રોકડ યુપી તેના પરિચિત પાસે રાખીને આવ્યાનું રટણ કર્યું હતું. થોરાળા પોલીસ રોકડ કબજે કરવા યુપી જવા કાર્યવાહી કરી છે.
નિર્મલા કોન્વેન્ટ રોડ પર રહેતા અને આજી વસાહતમાં ડીઝલ એન્જિનના પંપ બનાવી એક્સપોર્ટ કરતાં ધ્રુવ હરિશભાઇ દવેએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે તેના કારખાનામાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો નથુ ઉર્ફે કાનો ભરવાડ અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે, તા.5-10ના રોજ અમારી ફેક્ટરી વેચી હતી જેમાં સૂથી પેટેના રૂ.25 લાખની રોકડ કારખાનાના કબાટમાં રાખ્યા હતા અને તેમાંથી અગાઉ તેના પિતાએ 10 લાખ લીધા હતા અને 15 લાખ મૂકી દીધા હતા. બાદમાં રૂપિયાની જરૂર હોય તેના પિતાએ કબાટમાંથી પૈસા લેવા ગયા કબાટમાં કંઇ પૈસા ન હોય જેથી ધ્રુવભાઇને જાણ કરી હતી અને રૂપિયા લઇ આવ્યા ત્યારે કારખાનાનો ડ્રાઇવર નથુ સાથે હોવાનું જણાવતા તપાસ કરી હતી.
સિક્યુરિટી કેશુભાઇની પૂછતાછ કરતાં તેને તા.20-10ના રોજ રાત્રીના આપણા ડ્રાઇવર નથુભાઇ અને એક અજાણ્યો શખ્સ રિક્ષા લઇને આવ્યા હતા અને શેઠે અમોને પાર્સલ લેવાનું કહ્યું છે. બાદમાં બન્ને કારખાનામાં અંદર જઇને થોડી વાર બાદ બહાર આવી જતા રહ્યા હતા. બાદમાં ડ્રાઇવર નથુને ફોન કરતાં તેનો ફોન બંધ હોય તેથી તેના ઘેર રૈયા રોડ પર સોમનાથ સોસાયટીમાં તપાસ કરતાં ડ્રાઇવર ઘેર હાજર ન હોય અને બહારગામ ગયો હોય અને થોડા દિવસ બાદ ઘેર આવી તમને પૈસા આપી દેશે તેમ કહેતા પોલીસને જાણ કરી હતી. બાદમાં નહીં આવતા ફરિયાદ કરતાં થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપી ડ્રાઇવર નથુ સહિત બેને સકંજામાં લઇ પૂછતાછ કરી હતી. ચોરી કરી નથુ સહિત બન્ને શખ્સ જામનગર, સોમનાથ બાદ ફ્લાઇટમાં મુંબઇ અને યુપી ફર્યા હતા. અન્ય રોકડ યુપી રહેતા મિથિલેશ નામના મિત્રને સાચવવા આપ્યાનું રટણ કરતાં ચોરીનો આંક વધુ હોવાની શંકાએ પૂછતાછ કરી રોકડ કબજે કરવા કાર્યવાહી કરી છે.