Vadodaraતા.12,
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં રૃપારેલ કાંસનો ડભોઈ રોડ પ્રતાપનગર સાથે મહાનગર પાસેના બ્રિજના સ્લેબનું લેવલ બરાબર રાખ્યા વિના આડેધડ બનાવતા પાણી બરાબર વહી શકતું નથી. જેના લીધે પાણી ભરાયેલું રહેતા ગંદકીને લીધે જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ રહે છે.
વડોદરા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ત્રણ મુખ્ય કાંસ છે. જેમાં પૂર્વ વિસ્તારનો સૌથી મોટો રૃપારેલ કાંસ છે. આ રૃપારેલ કાંસમાં બારેમાસ ગટરનાં પાણી વહે છે. આ પણ બંધ કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે. હકીકતમાં આ કાંસ વરસાદી પાણીના નિકાલ માટેનો છે.
મ્યુનિ. કમિશનરને કોર્પોરેશનમાં વિપક્ષના કોંગી નેતા ભથ્થુભાઈએ લેખિત રજૂઆત કરતાં કહ્યું છે કે, ડભોઈ રોડ ઉપર રૃપારેલ કાંસ પરના બ્રિજનો સ્લેબ અઢી ત્રણ ફૂટ નીચે ભરેલો છે. જેના કારણે કાંસમાંથી પાણીનું વહેણ વહી શકતું નથી. પાણી બારેમાસ સ્લેબના અવરોધથી ભરેલું રહે છે. ચોમાસામાં ભારે વરસાદ ખાબકયો અને ત્રણ વખત પૂર આવ્યું હતું.
ત્યારે આ કાંસમાંથી પાણીનો નિકાલ ઝડપભેર નહીં થતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આવી જ રીતે ડભોઈ રોડ દંતેશ્વરથી તરસાલી જતાં પણ નાનો બ્રિજ બનાવ્યો છે.
ત્યાં પણ આવી જ સ્થિતિ છે. આ બંને બ્રિજનું પાણી ત્રણ ફૂટ નીચે સ્લેબથી અટકે છે. જો કોર્પો.એ બુધ્ધિનું પ્રદર્શન આ રીતે બનાવેલા સ્લેબથી કર્યું ન હોત તો પાણી ભરાઈ રહેવાનો અને તેના લીધે મચ્છરોનો ઉપદ્રવો જે કાયમી પ્રશ્ન છે, તેમાંથી લોકોને છૂટકારો મળી શકયો હોત .
તેમણે આક્ષેપ કર્યો હતો કે, કામગીરીમાં આ રીતે વેઠ ઊતારીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. હવે અહીં કાયમી પાણીનો ભરાવો રહે તેવું આયોજન કોર્પોરેશને વિચારવું પડશે.