શ્રીવલ્લીએ મારી સફરને આકાર આપ્યો છે, આજે હું જ્યાં છું ત્યાં મને પહોંચાડી છે તેના માટે મારું બધું જ સુકુમાર સરને સમર્પિત છે
Mumbai, તા.૧૩
રશ્મિકા મંદાના હાલ ‘પુષ્પા ૨ -ધ રુલ’ની સફળતાની મજા લઇ રહી છે. તાજેતરમાં તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી. સાથે તેણે ફિલ્મના ડિરેક્ટર સુકુમાર, અલ્લુ અર્જુન અને તેના ફૅન્સ માટે એક ખાસ પોસ્ટ પણ લખી છે.રશ્મિકાની આ તસવીરોમાંથી એકમાં તે શ્રીવલ્લીના લૂકમાં સેટ પર એક સોફા પર બેઠી છે. જ્યારે બીજી તસવીરમાં તેણે લાલ સાડી પહેરી છે અને પાલવથી તે પોતાનો ચહેરો છુપાવી રહી છે. ત્યાર પછીની તેની તસવીર સૌથી વધુ વાયરલ થઈ છે, જેમાં તે આરામથી ઊંઘી રહી છે અને સુકુમાર તેને ધ્યાનથી જોઈ રહ્યા છે. તે ઉપરાંત કેટલાક વીડિયો પણ છે જેમાં સુકુમાર તેને સીન સમજાવી રહ્યા છે અને તે શાંતિથી તે શીખી રહી છે. જ્યારે અન્ય એક વીડિયોમાં તે અલ્લુ અર્જુન સાથે કોઈ વિષયે ચર્ચા કરી રહી છે અને તે સુકુમારને ખુશીથી ભેટી પડે છે.આ પોસ્ટની કૅપ્શનમાં તેણે પોતાનો રોલ યાદગાર બનાવવા માટે સુકુમાર અને અલ્લુ અર્જુનનો અભાર માન્યો છે. તેણે એવું પણ લખ્યું છે, કે આ ફિલ્મ પછી શ્રીવલ્લી તેની બીજી ઓળખ બની ગઈ છે. તેણે લખ્યું,“ઘણો સમય થયો કે હું શ્રીવલ્લીના પાત્રમાં વણાઈ ગઈ છું. આજે જ્યારે તમને બધાને શ્રીવલ્લી શેના માટે લડે છે, ખડી થાય છે અને માને છે તેના માટે માનથી જોતાં જોઉં છું, ત્યારે અલગ અનુભૂતિ થાય છે. એવું લગા છે જાણે તમે પુષ્પાનો શ્રીવલ્લીની નજરે અનુભવ કરતા હોય તેનાથી મને ખૂબ આનંદ થાય છે. તમને ગમે તે રીતે શ્રીવલ્લીને જીવંત કરવી એ મારા માટે ઘણું ખાસ છે.” આગળ તેણે લખ્યું, “એ મારા માટે બીજી ઓળખ બની ગઈ છે, જેના પર મને ખૂબ માન છે.શ્રીવલ્લીએ મારી સફરને આકાર આપ્યો છે, આજે હું જ્યાં છું ત્યાં મને પહોંચાડી છે તેના માટે મારું બધું જ સુકુમાર સરને સમર્પિત છે- એ જિનીયસ છે, જેમણે આ બધું જ શક્ય બનાવ્યું. પુષ્પા વિના પણ શ્રીવલ્લીનું કોઈ અસ્તિત્વ ન હોત. તે જે છે તે પુષ્પાના કારણે જ છે અને તેના માટે હું દિલથી અલ્લુ અર્જુન સરની આભારી છું. હંમેશા. મારા માટે શ્રીવલ્લી માત્ર એક પાત્ર નથી, એ હકીકત છે, જે હંમેશા મારા દિલની નજીક રહેશે. હંમેશા તેની ઋણી રહીશ. શ્રીવલ્લી પુષ્પરાજ મોલેટ્ટી.”પુષ્પા ૨ ૫ ડિસેમ્બરે રિલીઝ થઈ છે અને એક જ અઠવાડિયામાં ત્રણ દિવસની અંદર વર્લ્ડ વાઇડ લગભગ ૬૨૧ કરોડની કમાણી કરી ચૂકી છે. ફિલ્મે પહેલા જ દિવસે ૨૯૪ કરોડની કામાણી કરીને ઘણા રેકોર્ડ તોડી નાંખ્યા છે.