સ્થાનિક પુરવઠા તંત્રની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલો
Jamnagar તા.૧૪
જામનગર પુરવઠા વિભાગનું તંત્ર નિષ્ક્રિય છે તે બાબતો અવારનવાર સામે આવે છે, આ વિભાગની સક્રિયતાના દર્શન તો ભાગ્યે જ થયા છે, કારણ કે રાશનકાર્ડ ધારકોને અપૂરતું અને સમયસર રાશન ના મળવાની બાબત હોય કે જથ્થો બારોબાર સગેવગે થવાની વાત હોય તમામ બાબતોમાં આ વિભાગની કોઈ જ સક્રિય કામગીરી હોતી નથી, થોડા સમય પૂર્વે જામનગર પુરવઠાના ગોડાઉનમાં દિવસો સુધી ગાંધીનગરથી આવી પહોચેલ ટીમોની તપાસો ચાલી હતી અને વધુ એક વખત ગાંધીનગર પુરવઠા નિગમની ટીમ જામનગર જીલ્લાના કાલાવડમાં તાજેતરમાં જ મોટો શંકાસ્પદ જથ્થો સીઝ કરી ગઈ ત્યાં સુધી જામનગરના પુરવઠા વિભાગને તો કોઈ માહિતી જ નહોતી..?!! બાદમાં ગાંધીનગર ટીમ દ્વારા આ અંગે કાલાવડ મામલતદાર અને જામનગર પુરવઠા વિભાગને આ શંકાસ્પદ જથ્થા વિષે જાણ કરવામાં આવ્યા બાદ હવે આ અંગેની કાર્યવાહીઓ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
જામનગર જીલ્લાના તાલુકા મથક કાલાવડમાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર પગ થાય છે તેવી બાતમી ગાંધીનગર મદદનીશ નિયામકને મળતા તેને આધારે મદદનીશ નિયામકના અધિકારીની ટીમે મામલતદારને સાથે રાખી ત્રણ જગ્યાએ ચેકીંગ કરતાં ગેરકાયદેસર બાયોડીઝલ, સસ્તા અનાજનો ચણા, ચોખા અને ઘઉંના જથ્થા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી સીઝ કરેલ હતો. આ કેસમાં સંડોવાયેલા સામે કાળા બજાર નિયંત્રણ ધારા હેઠળ ફરિયાદ સહિતની કાર્યવાહી અંગે ઉચ્ચકક્ષાએ અહેવાલ સુપ્રત હોવાનું જાણવા મળી રહ્યું છે. કાલાવડમાં તાલુકા પંચાયત કચેરી સામે આવેલા ગોડાઉન ઉપર દરોડો પાડી ગાંધીનગર મદદનીશ પુરવઠા નિયામકની ટીમ સાથે મામલતદારે ચેકીંગ કરતાં ૧૪ હજાર કિલો ચોખાનો જથ્થો, ૮૦૦ કિલો ઘઉં અને ૨૦૦ કિલો ચણાનો શંકાસ્પદ જથ્થો મળી કુલ રૂા.૫,૮૦,૦૦૦ નો જથ્થો પુરવઠા વિભાગે સિઝ કરેલ હતો.
આ ઉપરાંત ઝમઝમ પાર્કમાં એક ટ્રકમાં ચેકીંગ કરતાં ટ્રકમાંથી સસ્તા અનાજનો જથ્થો જોઇને અધિકારીઓની ટીમ ચોંકી ઉઠી હતી અને ટ્રકમાંથી ૫૬૦૦ કિલો ચણા, ૧૬૦૦ કિલો તુવેરદાળના જથ્થા સાથે રૂા.૧૦ લાખનો મુદ્દામાલ સિઝ કરેલ હતો. આ માલ કાલાવડના ટ્રાન્સપોર્ટરનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તદ્ઉપરાંત જૂના માર્કેટીંગ યાર્ડ પાસે એક ટ્રક અને ટેન્કરની તપાસ કરતાં તેમાંથી ગેરકાયદેસર ભરેલ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જેથી આ મુદ્દામાલ પણ કબ્જે કરેલ હતો. આ કાર્યવાહી ગાંધીનગર મદદનીશ પુરવઠા નિયામકની કચેરીની ટીમ દ્વારા કાલાવડના મામલતદારને સાથે રાખીને કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગરીબોને અનાજ આપે છે મહિનામાં બે વાર તે અંગે વડાપ્રધાન અને મુખ્યમંત્રી બેઉના ફોટા સાથે જાહેરાત એટલે અપાય છે કે લોકોને ખબર પડે કે રેશનીંગમાં ગરીબોને આટલુ મળશે…એકવાર ફ્રી એકવાર નજીવા ભાવે ને જામનગર જિલ્લા પુરવઠા તંત્રની નબળાઇ ના કે બીજા કોઇ કારણે એ માલ પગ કરી જાય છે તો કેટલા ગરીબ ભૂખ્યા રહ્યા કેટલા ઘરમાં ચુલા ન સળગ્યા એ પણ તપાસનો વિષય છે.