Bhavnagar તા.૧૪
પાલિતાણાના હાથસણી નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં ગામથી બે કિલોમીટર દુર નદીની વચ્ચે મશીન દ્વારા રેતીનું ખોદાણ કરી બોટ મારફતે ખનીજ ચોરી થઇ રહી છે. ગ્રામ્યજનો એ વારંવાર આ અંગે સબંધીત તંત્રવાહકોને ફરિયાદ કરી છે પણ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી.શેત્રુંજી નદીમાંથી રેતી ખોદીને બોટ દ્વારા ખનીજ ચોરી થઇ રહી હોવાની ગ્રામ્યજનોની ફરિયાદના આધારે સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા સ્ટીંગ ઓપરેશન કરાતા ગામથી દુર નદીની વચ્ચો વચ્ચ ખુલ્લેઆમ મશીન દ્વારા રેતીને ખોદી કોથળાઓ બોટમાં ભરવામાં આવી રહ્યા હતા. એક સાથે સળંગ આઠ-દસ મશીનો દ્વારા રેતીના ખનની પ્રવૃત્તિ ખુલ્લેઆમ ચાલી રહી છે. હાથસણી ગ્રામ્યજનોના જણાવ્યા મુજબ અમે જ્યારે જ્યારે ફરિયાદ કરીએ છીએ ત્યારે તંત્ર દેખાવ ખાતર એક – બે બોટને પકડે છે પણ નદીમાંથી રેતી કાઢવાનું આ કૌભાંડ અટકાવતા નથી.બોટ દ્વારા નદીમાંથી લઇ જવાતી રેતી ક્યાં જાય છે એ જાણવા માટે તપાસ કરતા બોટમાંથી દુર કિનારે ઉભેલા ડમ્પરોમાં રેતી ઠલવાતી હતી. આ ડમ્પરની નંબર પ્લેટ પર ઇરાદાપૂર્વક સીમેન્ટ લગાડી દેવામાં આવી હતી. આ ડમ્પરો ગારિયાધાર નજીકના અકતરીયા ગામ સુધી ગયા હતા.
ગ્રામ્યજનોના જણાવ્યા મુજબ ખનિજ વિભાગ બાદ તાજેતરમાં જિલ્લા કલેક્ટરને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત મોબાઇલ નંબર ૯૬૬૪૮૫૦૦૫૯ ઉપર ખાણ ખનિજ વિભાગના અધિકારીને પણ ફોટા, વિડીયો મોકલી ફરિયાદ કરવામાં આવી છે. પણ ફરિયાદ કર્યા બાદ પગલા લેવાને બદલે થોડા કલાકોમાં માથાભારે માણસો દ્વારા જુદા જુદા લોકો દ્વારા ગ્રામ્યજનોને ધમકી અપાઇ રહી છે.
ખાણ ખનીજ વિભાગને પાલિતાણા નજીકથી નિકળતી નદીમાં રેતી ચોરી થતી હોવાની અમને ફરિયાદ મળી છે તે ફરિયાદને આધારે અમારી ટીમ દ્વારા આગામી દિવસોમાં સ્થળ તપાસ કરવામાં આવશે. ગત માસમાં આ સ્થળ પર રેડ કરવામાં આવેલ હતી જેમાં ૧૩ ખનીજ માફિયાઓ વિરૂદ્ધ ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને એક હોડકું અને એક નાવડી સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી