આજે આણુદર્શન તથા દાંડીયારાસની રમઝટ
Rajkot, તા.૧૪
દેશ-વિદેશમાં જાણીતા દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ-ઢોલરા દ્વારા શહેરના જાણીતા ઉદ્યોગપતિ સંજયભાઈ અને માધવીબેન ધમસાણીયા પરિવારના મુખ્ય યજમાન પદે આગામી તા.૨૯ ડીસેમ્બરે રાજકોટના આંગણે માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૩ દીકરીઓના ભવ્ય-દિવ્ય-અલૌકિક લગ્નોત્સવ વહાલુડીના વિવાહ-૭ યોજાનાર છે જે અંગેની તડામાર તૈયારીઓ છેલ્લા ૨ માસથી સંસ્થા દ્વારા ચાલી રહી છે.
વહાલુડીના વિવાહ પ્રસંગોનો પ્રારંભ થઈ રહેલ છે જે અંતર્ગત તા.૧૫ રવિવારના રોજ સાંજના ૬ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી શહેરના સમાજજીવનના વિવિધ ક્ષેત્રના આગેવાનો, લોકપ્રતિનિધિઓ, દાતાઓ, શુભેચ્છકો, પ્રભુતામાં પગલા પાડનાર ૨૩ દીકરીઓના પરિવારજનો તેમજ સંસ્થાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આણુ દર્શન અને દાંડીયા રાસનો કાર્યક્રમ યોજાશે.
સંસ્થા દ્વાાર તમામ ૨૩ દીકરીઓના જાજરમાન લગ્નોત્સવ યોજવામાં આવે છે. સંસ્થાના કાર્યકર્તાઓ પોતાની બહેન કે દીકરીને પરણાવતા હોઈ તેવા ઉત્સાહથી દીકરીઓ રાજી થઈને જાય, કોઈ વસ્તુની કમી ના રહી જાય તેવા ભાવથી કાર્યરત રહી દીકરીઓને આણામાં સોઈથી લઈને સોનાની વસ્તુઓ આપવામાં આવે છે. તમામ દીકરીઓના આણામાં વોશીંગ મશીન, ફ્રીજ, એરકુલર, સીલાઈ મશીન, ઈમીટેશનની આઈટમ સહિત ૨૨૫ જેટલી વસ્તુઓ સુખી અને માનવતાપ્રેમી દાતાઓના સહયોગથી આપવામાં આવશે. આ ઉપરાંત તમામ દીકરીઓને ૧૫ હજારની ફીક્સ ડીપોઝીટ તેમજ દીકરીઓને ૬ મહીના સુધી ચાલે તે પ્રકારની પાંચ મણ ઘઉં, ૨ ડબા તેલ, ૨૦ કિલો ચોખા, ૫૦ કિલો ખાંડ, ૧૦ કીલો દાળ, ૨ કિલો ચા સહિતની વસ્તુઓની કીટ પણ આપવામાં આવશે.
સમગ્ર આયોજનની સફળતા માટે સમિતિના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, કિરીટ આદ્રોજા, હસુભાઈ રાચ્છ તેમજ મહિલા કમીટીના ફાલગુની કલ્યાણી, ગીતા વોરા, વર્ષા આરસોદરીયા, કાશ્મીરા દોશી, ગીતા પટેલ, કલ્પના દોશી, વર્ષા આદ્રોજા, પ્રિતી વોરા, પ્રિતી તન્ના, કિરણ વડગામા, નિશા મારૂ સહિતની સમગ્ર ટીમ કાર્યરત છે.