Mumbai, તા. 15
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજનને લઈને ચાલી રહેલા હોબાળાનો હવે અંત આવ્યો છે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આવી સ્થિતિમાં સુરક્ષાના કારણોસર ભારત સરકારે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.
BCCI ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં યોજવાની માંગ પર અડગ હતું. આ માટે BCCI, PCB અને ICCની અનેક બેઠકો પણ યોજાઈ હતી. જો કે હવે નિર્ણય બીસીસીઆઈની તરફેણમાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને હાઇબ્રિડ મોડલમાં મંજૂરી આપી દીધી છે. ભારત તેની મેચ દુબઈમાં રમશે.
પાકિસ્તાનની ટીમ ભારત નહીં આવે
BCCI અને PCB બંને T20 વર્લ્ડ કપ 2026 માટે સંમત થયા છે કે પાકિસ્તાનની ટીમ ભારત-પાકિસ્તાન લીગ મેચ માટે ભારતનો પ્રવાસ નહીં કરે. આ મેચો કોલંબોમાં રમાશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમને આનું વળતર નહીં મળે. ઉપરાંત, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 2027 પછી ICC મહિલા ટૂર્નામેન્ટનું આયોજન કરશે.
ભારતે 1 વખત જીત્યો છે ખિતાબ
આ પહેલા ભારતીય ટીમે એશિયા કપ-2023 માટે પાકિસ્તાન જવાની પણ ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં ભારત સામેની મેચ શ્રીલંકામાં રમાઈ હતી. જોકે, પાકિસ્તાનની ટીમ ODI વર્લ્ડ કપ 2023 માટે ભારત આવી હતી. આ દરમિયાન ટીમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે માત્ર એક જ વાર ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમ
1998: દક્ષિણ આફ્રિકા
2000: ન્યુઝીલેન્ડ
2002: ભારત-શ્રીલંકા
2004- વેસ્ટ ઈન્ડિઝ
2006- ઓસ્ટ્રેલિયા
2009- ઓસ્ટ્રેલિયા
2013- ભારત
2017- પાકિસ્તાન
8 ટીમ વચ્ચે થશે ટક્કર
– ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 માર્ચ સુધી રમાશે.
– ટુર્નામેન્ટમાં 8 ટીમો વચ્ચે ટાઇટલ માટે સ્પર્ધા થશે. આ દરમિયાન કુલ 15 મેચો રમાશે.
– બીસીસીઆઈ અને પીસીબીની સહમતિ બાદ ટુર્નામેન્ટનું શિડ્યુલ પણ જલ્દી જાહેર થઈ શકે છે.
– ભારત તેની ગ્રુપ મેચો દુબઈમાં રમશે.
– આ ઉપરાંત અહીં સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ પણ રમાશે.
– ટૂર્નામેન્ટની અન્ય 10 મેચ પાકિસ્તાનમાં યોજાશે.